Narmada: સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં 42 સેમીનો વધારો, નર્મદા ડેમ સંપૂર્ણ ભરવા તંત્ર સજ્જ

|

Aug 02, 2022 | 3:07 PM

ગુજરાતની (Gujarat) જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam) જળ સપાટીમાં વધારો નોંધાયો છે. 24 કલાકમાં 42 સેમી વધીને 132.17 મીટર સુધી પહોંચી છે.

ગુજરાતમાં (Gujarat) અત્યાર સુધીમાં સીઝનનો 70 ટકાથી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે. સારા વરસાદના (Rain) પગલે ગુજરાતના તમામ નદી-નાળા છલકાયા છે. નર્મદાના (Narmada) સરદાર સરોવર ડેમની જળસપાટીમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા એક દિવસમાં જ સમાન સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam) જળ સપાટીમાં 42 સેમીનો વધારો થયો છે. ડેમની જળસપાટીમાં સતત વધારો થતા આ વર્ષે ખેડૂતોને સિંચાઇના પાણી માટે હાલાકી નહીં ભોગવવી પડે તેવુ લાગી રહ્યુ છે. સાથે જ ડેમમાં સતત પાણીની આવક થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

નર્મદા ડેમમાં સતત પાણીની આવક

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. 24 કલાકમાં 42 સેમી વધીને 132.17 મીટર સુધી પહોંચી છે. ડેમની મહતમ જળ સપાટી 138.68 મીટર છે. હાલ ડેમમાં 50 હજાર 214 ક્યુસેક પાણીની આવક સામે 49 હજાર 975 ક્યુસેક પાણીની જાવક છે. નર્મદા ડેમમાં સતત પાણીની આવક થતા તમામ પાવર હાઉસ શરૂ કરી દેવામાં આવ્યા છે અને આ સાથે જ પાણીની જાવક પણ વધી છે. હાલ ડેમમાં કુલ 3 હજાર 555 મિલિયન ક્યુબીક મીટર પાણી સ્ટોરેજ છે.

હજુ પણ 6.51 મીટર સુધી જળસપાટી ભરાવાની બાકી

નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. જો કે હજુ નર્મદા ડેમના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યુ નથી. નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે. જ્યારે અત્યારે નર્મદા ડેમની જળસપાટી 132.17 મીટર સુધી પહોંચી છે. એટલે કે હજુ પણ 6.51 મીટર સુધી જળસપાટી ભરાવાની બાકી છે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઇ જાય ત્યારબાદ જ નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવશે. જો કે હાલમાં તો નર્મદા ડેમ સંપૂર્ણ રીતે ભરવા માટે તંત્ર સજ્જ બન્યુ છે. આવનારા સમયમાં ગુજરાતને જો સિંચાઇના પાણીની જરુરિયાત ઊભી થાય તો તે માટે નર્મદા ડેમ સક્ષમ છે.

(વીથ ઇનપુટ-વિશાલ પાઠક,નર્મદા)

Next Video