દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગમાં શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સમાં 500 પોઈન્ટ, નિફ્ટીમાં 120 પોઈન્ટનો ઉછાળો, જુઓ વીડિયો
દિવાળીમાં શેરબજારમાં પણ ઉત્સવ જેવો માહોલ છે. ગત સપ્તાહનો છેલ્લો દિવસ ફાયદા સાથે બંધ થયો હતો. વૈશ્વિક સ્તર પર પડકારો હોવા છતાં સ્થાનિક બજારમાં તેજી જોવા મળી રહી છે અને સાથે જ આજે પહેલીવાર છે કે, રવિવારના દિવસે મુહૂર્ત ટ્રેડિંગ માટે બજાર ખુલ્યું છે. ખાસ કરીને સેન્સેક્સમાં 500 પોઈન્ટ, નિફ્ટીમાં 120 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.
વિશ્વમાં મોંઘવારી, ક્રૂડના વધતા ભાવની સાથે યુક્રેન યુદ્ધ અને ઈઝરાયલ યુદ્ધના પડકારો છતાં, ભારતીય બજારે સારું પ્રદર્શન કર્યું છે. વિક્રમ સંવત 2079નું વર્ષ મીડ અને સ્મોલ કેપ શેરનું રહ્યું છે. આ વર્ષ દરમિયાન સેન્સેક્સમાં 5073 અંકનો ઉછાળો નોંધાયો છે.
આ ઉછાળા પાછળ અનેક કારણો છે અને તેમાં સૌથી માટું કારણ છે, દેશની વધતી તાકાત. વિશ્વમાં એક તરફ ભારતીય પ્રભાવ વધી રહ્યો છે, જેની સીધી અસર શેરબજાર પર પડી છે. આ સાથે મધ્યમ વર્ગની મજબૂત સ્થિતિએ બજારની મજબૂતાઈ પણ સાચવી. DII એટલે કે ઘરેલું સંસ્થાઓએ કરેલી આક્રમક ખરીદી પણ એક કારણ છે. ભારતીય કંપનીઓએ બહેતરીન પ્રદર્શન આ વર્ષે કર્યું છે. સાથે જ FIIનો ઘટતો પ્રભાવ ભારતીય શેરમાર્કેટ માટે લાભદાયી સાબિત થયો છે.
આ પણ વાંચો : દેશભરના વેપારીઓએ દિવાળીના દિવસે દેવતાઓની સાથે બાયોમેટ્રિક મશીન, પીઓએસ ટર્મિનલ, એર પોડ કોમ્પ્યુટરની પૂજા કરી
મુહૂર્ત થઈ ગયું છે. ત્યારે એ પણ અંદાજ લગાવાઈ રહ્યો છે કે, આગામી વર્ષ બજાર માટે કેવું રહેશે? 5 ટ્રિલિયનના અર્થતંત્ર તરફ વધતું ભારત નવી દિશા તરફ બજારને પણ લઈ જઈ રહ્યું છે. ભારતીય કંપનીઓની ઉત્પાદન ક્ષમતા વૈશ્વિક થઈ રહી છે. આ સાથે ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતનો ડંકો સતત વાગી રહ્યો છે. ભારતના વૈશ્વિક દેશો સાથેના અનુકુળ સંબંધો પણ બજાર સામે ફાયદાકારક રહ્યા છે. આ તમામ પાસા જોતાં એ સ્પષ્ટ દેખાય છે કે, શેરબજાર માટે વિક્રમ સંવત 2080નું વર્ષ ફાયદામંદ રહેવાનું છે.