વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં ધાર્મિક પ્રવૃતિઓ પર રોક લગાવી દેવાઇ છે. ગઇકાલે સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગમાં યુવતીની નમાઝનો વીડિયો વાયરલ થયો હતો. સમગ્ર મામલે વિવાદ સર્જાતા, સત્તાધીશો એક્શનમાં આવ્યા છે અને ફેકલ્ટીમાં કોઇપણ પ્રકારની ધાર્મિક પ્રવૃતિ ન કરવા આદેશ કર્યો છે. સાથે જ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો પરિપત્રની સૂચનાનો ભંગ થશે તો કડક હાથે કાર્યવાહી કરાશે.
સાયન્સ ફેકલ્ટીના ડિને વિદ્યાર્થીઓ અને સભ્યો જોગ પરિપત્ર તો જાહેર કરી દીધો, પરંતુ પરિપત્રનું પાલન થાય છે કે કેમ તેનુ ધ્યાન કોણ રાખશે તે મામલે કોઇ સ્પષ્ટતા નથી કરી. ત્યારે જોવાનું એ રહે છે કે નમાઝ સામે પરિપત્રનું હથિયાર કટ્ટરપંથીઓને રોકવામાં કેટલું કારગર નીવડે છે.
ગઇકાલે વડોદરાની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગ નજીક યુવતી નમાઝ પઢતી હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે યુવતી ચાદર પાથરીને નમાજ અદા કરી રહી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતુ કે વીડિયો 13મી જાન્યુઆરીનો હોઇ શકે છે. જોકે નમાઝ પઢનાર યુવતી કોણ છે, શું આ યુવતી યુનિવર્સિટીની વિદ્યાર્થીની છે કે અન્ય કોઇ, તે અંગે યુનિવર્સિટી વિજિલન્સ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
વીડિયોમાં કોઈ યુવતી જાનમાઝ પાથરી જાહેરમાં નમાઝ પઢતા જોવા મળી રહી છે. એમ એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી સ્થિત બોટની ડિપાર્ટમેન્ટનો વીડિયો હોવાનું અનુમાન છે. મહત્વનું છે કે 13 જાન્યુઆરીનો બપોરનો આ વીડિયો હોવાનુ અનુમાન છે. અગાઉ પણ MS યુનિવર્સિટીમા નમાઝ પઢવાના બે વીડિયો વાયરલ થયા હતા. કહેવાય છે કે જ્યાં રાજનીતિ થાય, ત્યાં વિવાદ પણ સર્જાય. પછી ભલે તે સરસ્વતીનું ધામ હોય કે પછી હોય ધાર્મિક સંસ્થા. કંઇક આવો જ ઘાટ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં સર્જાયો છે.