MS યુનિવર્સિટીના પ્રોફેસર નિકુલ પટેલના રાજીનામાની માગ, વિદ્યાર્થી વિકાસ સંઘે એક્ઝામિનેશન સેક્શનમાંથી સસ્પેન્ડ કરવાની કરી માગ
MSU: વડોદરાની MS યુનિવર્સિટીમાં ટેકનોલોજી ફેકલ્ટીના આસિસ્ટન્ટ પ્રોફેસર નિકુલ પટેલ પર વિદ્યાર્થીને ભલામણ પત્ર આપવા બદલ રૂપિયા અને દારૂની માગ કરવાનો આક્ષેપ લાગ્યો છે. જેમા હવે પ્રોફેસરના રાજીનામાની માગ ઉઠી છે.
વડોદરાની MS યુનિવર્સિટી (MS University)ની ટેકનોલોજીની ફેકલ્ટીના આસિસ્ટન્ટ પ્રોફેસર નિકુલ પટેલ (Nikul Patel) પર વિદ્યાર્થીને ભલામણપત્ર આપવા બદલ રૂપિયા અને દારૂની માંગણી કરવાનો આક્ષેપ લાગ્યો છે. આ મુદ્દે વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા યુનિવર્સિટીની મુખ્ય કચેરી ખાતે ધરણા તેમજ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું. વિદ્યાર્થી વિકાસ સંઘ (Vidyarthi Vikas Sangh) એ નિકુલ પટેલને એક્ઝામિનેશન સેક્શનમાંથી સસ્પેન્ડ કરવાની માગ કરી છે. સાથે જ તપાસ કમિટીની રચના કરી આરોપો પુરવાર થાય તો તમામ પદો પરથી દૂર કરવાની માગ કરી છે.
સત્ય શોધન સમિતિના રિપોર્ટ મુજબ કાર્યવાહી થશે: PRO
આ તરફ યુનિવર્સિટીના PRO લકુલેશ ત્રિવેદીએ જણાવ્યું કે મામલાની ગંભીરતાને જોતા યુનિવર્સિટી દ્વારા સત્યશોધક સમિતિની રચના કરી દેવામાં આવી છે અને કમિટીને ઝડપથી તેનો રિપોર્ટ પણ સબમિટ કરવા જણાવવામાં આવ્યુ છે. જેથી કરીને આ કમિટી છે આ સમગ્ર આક્ષેપની તપાસ કરશે, તેની સત્યતા શું છે તે જણાવશે. સમિતિના રિપોર્ટમાં જો નિકુલ પટેલ દોષિત જણાશે તો નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
વિવાદમાં સીધી યુનિવર્સિટી વચ્ચે ન આવી શકે: નિકુલ પટેલ
આ સમગ્ર વિવાદ બાદ નિકુલ પટેલે ફરી મીડિયા સમક્ષ આવી પૂર્વ વિદ્યાર્થીએ કરેલા આક્ષેપો નકાર્યા છે. સાથે જ સત્યશોધક સમિતિની રચના સામે પણ સવાલ ઉઠાવ્યા છે. નિકુલ પટેલે જણાવ્યું કે આ મુદ્દે યુનિવર્સિટી ક્યાંય વચ્ચે ન આવી શકે. વિદ્યાર્થીએ સૌપ્રથમ સ્ટુડન્ટ્સ ગ્રિવેન્સ સેલમાં રજૂઆત કરવાની હોય. તેમાં જો આક્ષેપો પુરવાર થાય તો પછી યુનિવર્સિટી રજિસ્ટ્રારને રિપોર્ટ કરવામાં આવે અને ત્યાર પછી સત્ય શોધક સમિતિની રચના થવી જોઈએ. તો વિદ્યાર્થી વિકાસ સંઘનું કહેવુ છે કે આ પ્રકારનો ભ્રષ્ટાચાર યુનિવર્સિટીમાં ચલાવી લેવામાં આવવો જોઈએ નહીં.
