Monsoon 2023 : સ્માર્ટ સિટી અમદાવાદમાં તંત્રની પ્રિમોન્સુન કામગીરીના ઉડ્યા લીરેલીરા, ભારે વરસાદને પગલે શહેરે જળસમાધિ લીધી હોય તેવા સર્જાયા દૃશ્યો
Ahmedabad: અમદાવાદમાં પડેલા ભારે વરસાદે તંત્રના દાવાની પોલ ખોલી નાખી છે. એસી ઓફિસોમાં બેસી પ્રિમોન્સુન પ્લાન ઘડતા સત્તાધિશોના પ્લાન પર વરસાદે પાણી ફેરવી દીધુ છે. ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની ખોખલી કામગીરીના લીરેલીરા ઉડતા દૃશ્યો જોવા મળ્યા છે.
અમદાવાદમાં સાંજના સમયે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. ધોધમાર વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. શહેરના પૂર્વ વિસ્તારમાં તો અડધો ઈંચ વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે તેની હવે શહેરીજનોને પણ નવાઈ લાગતી નથી, પરંતુ આજના વરસાદમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી. જેમા મોડલ રોડ વિસ્તાર ગણાતા સિંધુ ભવન માર્ગ પણ જાણે બેટમાં ફેરવાયો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા. તંત્ર દ્વારા આ માર્ગ પર ક્યારેય પાણી નહીં ભરાય તેવા દાવા કરાયા હતા. તંત્રના આ દાવા કેટલા પોકળ છે તેની પોલ ખોલતા દૃશ્યો અહીં જોઈ શકાય છે.
સાંજના સમયે અનેક નાગરિકો પાણી ભરાવાને કારણે રસ્તામાં જ અટવાયા હતા. આ દરેકના ચહેરા પર વામણા તંત્રના અણઘડ પ્રિમોન્સુન કામગીરી સામે સ્પષ્ટ રોષ જોઈ શકાતો હતો. ઓફિસથી ઘરે જવા નીકળેલા અનેક લોકો રસ્તા વચ્ચે ક્યાંક ટ્રાફિકમાં ફસાયા તો ક્યાંક પાણીને કારણે વાહન બંધ પડી જવાને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા.
આ પણ વાંચો: Ahmedabad : ભારે વરસાદમાં સિંધુ ભવન માર્ગ બન્યો જળબંબાકાર, પાણી ભરાતા વાહનચાલકો થયા પરેશાન-જુઓ Video
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યુ ત્યારે તેઓ એવુ કહેતા જોવા મળ્યા કે કેચપીટમાં કચરો આવી જાય એટલે પાણીનો નિકાલ ધીમે ધીમે થાય છે. ત્યારે શહેરીજનોને સવાલ થયા વિના રહેતો નથી કે શું આ એમનો વિકાસ છે ? નાગરિકો વ્યથા વ્યક્ત કરી રહ્યા છે કે દર ચોમાસાએ એકની એક જ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને નીંભર તંત્રના પેટનું પાણી હલતુ નથી. એક શહેરીજન તો રોષ વ્યક્ત કરી રહ્યા છે કે હવે અહીં વાહનો તો ચાલે એમ નથી એટલે હોડી લઈને નીકળવુ પડે તેવી સ્થિતિ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો