Monsoon 2022 : ગુજરાતમાં સીઝનનો 93 ટકા વરસાદ વરસ્યો, કચ્છમાં સૌથી વધુ 143 ટકા વરસાદ

|

Aug 17, 2022 | 9:32 AM

રાજ્યમાં અત્યાર સુધી વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો સીઝનનો 93.3 ટકા વરસાદ (Rain) વરસી ચુક્યો છે. સૌથી વધુ કચ્છમાં (Kutch) 143.22 ટકા વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં વરસાદી (Monsoon 2022) માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ (Rain) વરસ્યો છે. 24 કલાકમાં રાજ્યના 246 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાંથી 140 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં સૌથી વધુ તાપીના (Tapi) સોનગઢ તાલુકામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો બનાસકાંઠાના ડીસામાં 7.5 ઈંચ, દાંતીવાડામાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે. વડગામ, પોશિના, દાંતા, મહેસાણા, દિયોદરમાં 6 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. નવસારીના ચીખલી, વલસાડ, તાપીના વિસ્તારોમાં 4 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે.

સીઝનનો 93.3 ટકા વરસાદ વરસી ચૂક્યો

રાજ્યમાં અત્યાર સુધી વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો સીઝનનો 93.3 ટકા વરસાદ વરસી ચુક્યો છે. સૌથી વધુ કચ્છમાં 143.22 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સીઝનનો 90.49 વરસાદ વરસી ચુક્યો છે. પૂર્વ-મધ્યમાં 77.78 ટકા વરસાદ વરસી ચુક્યો છે. તો સૌરાષ્ટ્રમાં સીઝનનો 84.44 ટકા વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 104.42 ટકા વરસાદ વરસી ચુક્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે અત્યાર સુધીમાં ચોમાસાનો સારો એવો વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે આગામી વર્ષે પાણીની સમસ્યા સર્જાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

સવારે બે કલાકમાં ધોધમાર

રાજ્યમાં વહેલી સવારથી પણ અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે 6થી 8 એમ બે કલાકમાં બનાસકાંઠાના દાંતિવાડામાં 3.5 ઈંચ વરસાદ વરસી ગયો છે. સુઈગામમાં બે કલાકમાં 2 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. તો સુરતના ઓલપાડ, ઉમરપાડા, કચ્છના અબડાસામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. વહેલી સવારે 2 કલાકમાં 40 જેટલા તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

Published On - 9:31 am, Wed, 17 August 22

Next Video