કોરોનાના નવા વેરિયન્ટ સામે પહોંચી વળવા માટે ભારત કેટલું તૈયાર છે ? જો કોરોનાની ચોથી લહેર આવે તો દેશની હોસ્પિટલો કેટલી તૈયાર છે ? આરોગ્ય તંત્ર કેટલું સજ્જ છે ? આ બાબતો ચકાસવા માટે ગુજરાત સહિત આજે દેશભરમાં મોકડ્રિલ યોજાઈ રહી છે. આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની સૂચનાથી દેશની અનેક સરકારી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં આજે જગદીશ પંચાલ (વિશ્વકર્મા) તેમજ અધિકારીઓ દ્વારા SVP હોસ્પિટલમાં ઓક્સિજન, વેન્ટીલેટર, બેડની ઉપલબ્ધતાની ચકાસણી કરવામાં આવી હતી.
અમદાવાદની SVP હોસ્પિટલમાં પણ કોવિડની સ્થિતિને લઇને મોક ડ્રીલ યોજાઇ. પ્રધાન જગદીશ વિશ્વકર્મા, મેયર કિરીટ પરમાર સહિતના અધિકારીઓએ SVP હોસ્પિટલ પહોંચી બેડ, વેન્ટીલેટર અને દવાઓની ઉપલબ્ધતા અંગે ચકાસણી કરી. સમીક્ષા બાદ પ્રધાન જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, જો ભારતમાં કોરોનાના કેસો વધે તો કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ રહે તેના માટે દરેક હોસ્પિટલોમાં મોક ડ્રીલ યોજાઇ.
SVPમાં આઇસીયુ બેડ, ઓક્સિજન, કોવિડ દર્દીઓ માટે અલગથી ભોજન સહિતની વ્યવસ્થાઓની તૈયારી કરવામાં આવી છે. SVPમાં હાલ 400થી વધુ કોવિડ અને 90 જેટલા આઇસીયુ બેડ તૈયાર છે. તો શહેરના 80 જેટલા અર્બન હેલ્થ સેન્ટર પર પણ પૂરતી દવાઓ અને વેક્સિનનો જથ્થો પહોંચાડવામાં આવશે. જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 1.16 કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. હવે બૂસ્ટર ડોઝ પ્રત્યે પણ લોકોમાં જાગૃતિ આવી છે આથી બૂસ્ટર ડોઝ માટે પણ લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.
મહત્વનું છે કે કોરોનાના પગલે આજે દેશભરની હોસ્પિટલ્સમાં મોકડ્રીલ યોજવામાં આવી રહી છે. જેમાં ઓક્સિજન સિલિન્ડર, બેડની વ્યવસ્થા, દવાઓ અને અન્ય સ્વાસ્થ્ય સુવિધાઓ સહિત વિવિધ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. આજે ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, દિલ્લી, તેલંગાણા, આસામ, મહારાષ્ટ્ર સહિત તમામ રાજ્યોમાં આરોગ્ય વ્યવસ્થાલક્ષી નિરીક્ષણ કરવામાં આવ્યું. રાજધાની દિલ્લીમાં આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સફદરગંજની કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
Published On - 2:18 pm, Tue, 27 December 22