રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ડાંગ, દાહોદ અને બનાસકાંઠાના અનેક તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદનું આગમન

|

Sep 10, 2022 | 9:12 PM

Rain Updates: રાજ્યભરમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. જેમા દાહોદમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ જોવા મળ્યુ તો આ તરફ ડાંગ અને બનાસકાંઠામાં પણ ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદ પડ્યો છે.

રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. રાજ્યમાં 45 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જેમા ડાંગ (Dang) જિલ્લામાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો. જિલ્લાના આહવા, વઘઈ સહિત અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વહેલી સવારથી જ ભારે બફારા અને ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા હતા. જેમા બપોરના સમયે વરસાદનું આગમન થતા લોકોને બફારામાંથી રાહત થઈ હતી. આ સાથે બનાસકાંઠા (Banaskatha) અને દાહોદ (Dahod)માં પણ કેટલાક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે.

દાહોદમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ

આ તરફ દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જેમા દાહોદ, લીમડી, ઝાલોદ, સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી. ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જિલ્લામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે ભાદરવામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે.

 

આ તરફ બનાસકાંઠામાં પણ સતત બીજા દિવસે  વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને  વરસાદનું આગમન થયુ છે. જિલ્લાના વડગામ, પાલનપુર, દાંતા પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. કાંકરેજના શિહોરમાં પણ ભારે વરસાદ પડ્યો છે. શિહોર, થરા, આકોલી સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કાંકરેજમાં ભારે વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી હતી.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 13 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા વલસાડ, નવસારી , દમણ, ડાંગ, નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદ પડશે.

Published On - 8:25 pm, Sat, 10 September 22

Next Video