અમદાવાદમાં ઓરીએ ઉંચક્યુ માથુ, નાના બાળકોમાં ઓરીના કેસ વધતા આરોગ્ય વિભાગ થયુ દોડતુ

|

Dec 20, 2022 | 11:43 PM

Ahmedabad: શહેરમાં ફરી રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. જેમાં ઓરીના કેસ વધ્યા છે. ખાસ કરીને નાના બાળકોમાં ઓરીના કેસ વધતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે અને શહેરના 25 વિસ્તારોમાં 9 મહિનાથી 5 વર્ષની વય સુધીના બાળકોને ઓરીની રસી આપવાની શરૂઆત કરાઈ છે.

ગુજરાતમાં હાલ ડબલ ઋતુ જેવો અનુભવ થઈ રહ્યો છે. બપોરે તાપમાન વધુ હોવાથી ગરમ વાતાવરણ હોય છે. ક્યાંક કમોસમી વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. ત્યારે બેવડી ઋતુના કારણે બીમારીઓમાં પણ વધારો થઈ હ્યો છે. અમદાવાદમાં નાના બાળકો, વૃદ્ધો તો બીમારીઓની ચપેટમાં આવી જ રહ્યા છે. સાથે જ યુવાઓ પણ વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બની રહ્યા છે. નાના બાળકોમાં ઓરીના રોગચાળાએ માથું ઉંચક્યું છે તો આ સાથે જ ડેન્ગ્યૂ, મેલેરિયા, ઝાડા-ઊલ્ટી સહિતનો રોગચાળો પણ વકરી રહ્યો છે. જેના કારણે હોસ્પિટલ્સમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતો જઈ રહ્યો છે.

અમદાવાદમાં ઓરીના કેસ વધ્યા

અમદાવાદમાં કોરોનાની વેક્સિન આપવામાં સ્ટાફ વ્યસ્ત થતાં હવે ઓરીએ માથું ઉંચક્યું છે. અમદાવાદ શહેરમાં નાના બાળકોમાં ઓરીના કેસ વધતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. છેલ્લા એક સપ્તાહમાં જ ઓરીના વધુ કેસ નોંધાયા છે. જ્યારે કે ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં કુલ 50 કેસ સામે આવ્યા છે. આ પહેલા ઓક્ટોબરમાં 112 કેસ અને નવેમ્બરમાં 177 કેસ નોંધાયા હતા. શહેરમાં ખાસ કરીને દાણીલીમડા, બહેરામપુરા, લાંભા, વટવા, જુહાપુરા, ગોમતીપુર અને રખીયાલ વિસ્તારમાં ઓરીની વધુ અસર જોવા મળી રહ્યો છે.

AMCના આરોગ્ય અધિકારીઓએ ઓરીની રસી આપવાની શરૂઆત કરી

AMCના અધિકારીઓના જણાવ્યા મુજબ છેલ્લા બે માસમાં ઓરીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરના 25 વિસ્તારોમાં 9 મહિનાથી 5 વર્ષની વય સુધીના બાળકોને ઓરીની રસી આપવાની શરૂઆત કરાઇ છે.. આ ઉપરાંત શંકાસ્પદ કેસ ધરાવતા બાળકોને વિટામીન Aના ઇન્જેક્શન આપવા પણ સૂચના અપાઇ છે. અત્યાર સુધી 1.38 લાખ બાળકોને ઓરીની વેક્સિન આપવામાં આવી હોવાનો દાવો મનપાએ કર્યો છે.

ઈનપુટ ક્રેડિટ- સચિન પાટિલ- અમદાવાદ

Next Video