Mahisagar : મહિસાગરના બાલાસિનોર પાસે પ્રદૂષણ ફેલાવતી જમિયતપુરા ડમ્પિંગ સાઈટ બંધ કરાવવાની માંગ ઉઠી છે. ભાજપના જ ધારાસભ્ય માનસિંહ ચૌહાણે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે આ ડમ્પિંગ સાઈટ બંધ કરાવવામાં આવે. કારણ કે તેના કારણે જમીન અને નદીઓનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે.
આ પણ વાંચો Mahisagar: બાલાસિનોરની ખાનગી બેંકના મેનેજરની હત્યાનો મામલો, LCB એ હત્યારાની કરી ધરપકડ, જુઓ Video
બાલાસિનોર શહેરથી આ સાઈટ 3 કિલોમીટર દૂર આવેલી છે. જેના કારણે શહેર અને ગ્રામ્યના લોકોના આરોગ્યને પણ નુક્સાન પહોંચી રહ્યું છે. માનસિંહ ચૌહાણે પત્રમાં લખ્યું છે તે પ્રમાણે, ખાનગી કંપની મૌરા એન્વાયરો પ્રોજેક્ટ દ્વારા ડમ્પિંગ સાઈટ ચાલે છે. આ વિસ્તારમાં જ SSC ક્વોરીની 20થી 25 કિમી જગ્યામાં ફેલાયેલી ખાણો ચાલે છે. જ્યાં ચોમાસા દરમિયાન પાણી ભરાયેલું રહે છે.
આ પાણી શહેરના સુદર્શન તળાવ અને નજીકના હેન્ડપંપમાં ભળી જવાનો ભય છે. એટલું જ નહીં કેમિકલયુક્ત પાણીના કારણે ઝરમર નદી અને શેઢી નદીને પણ નુક્સાન પહોંચી શકે તેવી સ્થિતિ છે. ડમ્પિંગ સાઈટના કારણે કોતર, નદી અને ખેતરોને નુક્સાન થઈ રહ્યું છે. તેથી સરકારે તાત્કાલિક આ સાઈટ બંધ કરાવી દેવી જોઈએ તેવી ધારાસભ્યની માગણી છે.