આધાર-પાન કાર્ડ લિંક કરવાની પ્રક્રિયાની અંતિમ તારીખ 31 માર્ચ હોવાથી અરજદારો તાબડતોડ આધારકાર્ડ સેન્ટર પર પહોંચી રહ્યા છે. 31 માર્ચ સુધી આ પ્રક્રિયા નહીં થાય તો અરજદારને મોટો દંડ ભોગવવાનો વારો આવી શકે છે, જેથી લોકો આ કામને તાત્કાલિક પૂર્ણ કરવા માટે દોડી રહ્યાં છે. અમદાવાદમાં વિવિધ આધારકાર્ડ સેન્ટર્સ પર લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે.
તો બીજી તરફ આધારકાર્ડ કેન્દ્ર પર પહોંચી રહેલા અરજદારોના નામ, અટક, તારીખ સહિતની બાબતોમાં વિસંગતતાઓથી સમસ્યાઓ આવી રહી છે. સાથે જ લોકો હજાર રૂપિયાના દંડથી પરેશાન થયા છે. અમદાવાદમાં મનપા કચેરીઓ, બેંકો, પોસ્ટ ઓફીસ સહિતની 300 થી પણ વધારે જગ્યાઓ પર સુધારણાના કામો ચાલી રહ્યા છે. તમામ કેન્દ્રો પર અરજદારોની મોટી લાઈનો જોવા મળી છે.
મહત્વનું છે કે, 2 વર્ષ પૂર્વે કેન્દ્ર સરકારે બેન્કિંગ વ્યવહારો અને સરકારી યોજનામાં પારદર્શિતા લાવવા આધાર-પાનકાર્ડ લિંક કરવા માટે સૂચના આપી હતી. પરંતુ લોકોએ આળસ ન ખંખેરતા સરકારે રૂપિયા હજારનો દંડ લગાવ્યો હતો. પરંતુ 31 માર્ચ બાદ સરકાર આ દંડની રકમ વધારવા જઈ રહી છે. પરંતુ અરજદારો દંડની રકમ બંધ કરવા માગ કરી રહ્યા છે.
તો બીજી તરફ કોંગ્રેસે પણ આધાર-પાનકાર્ડ લિંક કરવા માટેના હજાર રૂપિયા દંડને ગેરવ્યાજબી ગણાવ્યો છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા કહ્યું કે, પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની વાત જ તર્ક વગરની છે. એક ઘરમાં ચાર વ્યક્તિ હોય તો 4000 દંડ ભરવો પડે તેવી સ્થિતિ છે. આ દંડ મધ્યમ વર્ગ કે ગરીબીના પરિવારને કઈ રીતે પોસાય? સરકારે દંડ તાત્કાલિક રદ કરવો જોઈએ અને અવધિમાં વધારો કરવો જોઈએ.