બનાસકાંઠાના પાલનપુરમાં 108 કુંડી સહસ્ત્રચંડી મહાયયજ્ઞનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. હવનના પૂર્ણાહુતિના દર્શન માટે અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુ ભાવભેર દર્શન કરશે. દેશભરમાંથી ચૌધરી સમાજના આગેવાનો અને ભક્તો હોંશભેર મા અર્બુદા અને યજ્ઞશાળાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરશે. 108 કુંડી સહસ્ત્રચંડી યજ્ઞના ત્રીજા દિવસે 5 લાખ લોકો દર્શનનો લાભ લે તેવી શક્યતા છે. બે દિવસમાં અત્યાર સુધીમાં ચારથી પાંચ લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. આ મહાયજ્ઞના ત્રીજા દિવસે એક લાખ ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. તો પાર્કિંગથી લઈને ભોજન અને યજ્ઞશાળા સુધી 25 હજાર સ્વયંસેવકોની ફોજ વ્યવસ્થા સાચવવામાં મદદ કરી રહી છે.
આંજણા ચૌધરી સમાજના યુવાનો શિક્ષણ, વ્યસન મુક્તિ અને સામાજીક સમરસતાનો સંકલ્પ સાથે માતાજીના આશીર્વાદ લઈને મહાયજ્ઞ સ્થળેથી ઘરે જઈ રહ્યાં છે. 108 કુંડી મહાયજ્ઞમાં ભોજન પ્રસાદ માટે 10 કાઉન્ટર બનાવાયા છે. જેમાં 10 હજાર લોકો એકસાથે ભોજન લઈ શકે છે. અહીં અન્નનો એકપણ દાણો ન બગડે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 551 બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ત્રણ દિવસમાં 1500 યજમાનોએ યજ્ઞ મા આહુતિ આપી છે. આ મહાયજ્ઞમાં સૌ ગુજરાતીઓના સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવી.
અર્બુદાધામ યજ્ઞશાળામાં 551 વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે યજમાન પરિવાર આહુતિ આપી રહ્યાં છે. દેશભરના ચૌધરી સમાજના શ્રદ્ધાળુઓ યજ્ઞશાળાનું દર્શન અને પરિક્ષણ કરી રહ્યાં છે, તો 10 હજાર ભક્તો એકસાથે ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ હવનના દર્શન કર્યા હતા અને સમાજ એકતા થકી શિક્ષણ, રોજગારીમાં આગળ વધે તેવી માતાજીને પ્રાર્થના કરી હતી. અર્બુદા મહાયજ્ઞને લઈને ચૌધરી સમાજની મહિલાઓ ઉત્સાહભેર કાર્ય કરી રહી છે. 45 દિવસમાં 5 હજાર બહેનોએ જવારા વાવ્યા. તો દસ લાખ જેટલા લાડુ પણ બહેનોએ તૈયાર કર્યા હતા.
ચૌધરી સમાજની બહેનોએ જ યજ્ઞશાળાનું લિપણ કર્યું હતું. તો યજ્ઞ પૂર્વેની શોભાયાત્રામાં એક લાખનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ મહાયજ્ઞના પહેલા દિવસે બે લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. બીજા દિવસે સર્વસમાજના 3 લાખથી વધુ ભક્તો દર્શન કરે તેવી શક્યતા છે.