સરહદી જિલ્લા કચ્છમાં (Kutch Latest News) પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે. દેશમાં સૌપ્રથમ વખત ડ્રોનથી ટપાલ સેવાનો નવતર પ્રયોગ કચ્છમાં કરવામાં આવ્યો છે. ભૂજના હબાયથી 47 કિમીના અંતરે ભચાઉના નેર ગામ વચ્ચે 2 કિલો વજનનું દવાનું પાર્સલ 25 મિનીટમાં પહોંચાડાયું હતું. સ્થાનિક અધિકારીઓ સહિતની ઉચ્ચ અધિકારીઓની ટીમની હાજરીમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ માટે દિલ્હીથી 4 સભ્યની ટીમ પણ કચ્છમાં આવી છે. સરકારને ટ્રાયલ બેઝની ચકાસણીની માહિતી આપ્યા બાદ મંજૂરી મળતા જ ડ્રોન ટપાલસેવા ચાલુ કરવામાં આવશે. ડોરસ્ટેપ બેન્કિંગ બાદ પોસ્ટ વિભાગ ડ્રોનથી ડિલિવરી જેવું પગલું ભરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે વિદેશોમાં આ પ્રકારે પાર્સલની ડીલિવરી ઘણા સમયથી શરૂ થઈ ગઈ છે. ભારતમાં પણ હવે તેની શરૂઆત થવા જઈ રહી છે. અત્યાર સુધી ડ્રોનનો ઉપયોગ ફોટોગ્રાફી માટે થઈ રહ્યો હતો પરંતુ હવે ડ્રોન દ્વારા પાર્સલની ડિલીવરી પણ થઈ શક્શે. અધિકારીઓને આ રૂટની પસંદગી અંગે પુછવામાં આવતા તેઓએ જણાવ્યુ હતું કે, આ રસ્તામાં મોટી બિલ્ડીંગો અને ટ્રાફીક ન હોવાથી ડ્રોન ડીલિવરી માટે અનુકુળ છે. અગાઉના જમાનામાં આધુનિક સેવાઓ ન હતી ત્યારે સંદેશા પહોંચાડવા કબૂતરનો ઉપયોગ થતો હતો, પણ આધુનિક યુગમાં ડ્રોનથી પાર્સલ કે પત્ર પહોંચાડવાની શરૂઆત ગ્રામીણ લોકોને ખૂબ પસંદ આવશે તેમ જણાય રહ્યું છે.