તંત્રની બલિહારી: વલસાડના કપરાડાનામાં ભર શિયાળે પીવાના પાણી માટે ફાંફા, ઘર, ઘર સુધી નળ તો મુકાયા પણ નળમાં જળ જ નથી- જુઓ વીડિયો

જરા વિચાર કરો કે ચોમાસાની સિઝનમાં જે જિલ્લામાં 125 ઇંચ વરસાદ વરસ્યો હોય છતાં ત્યાંના લોકોને પાણી માટે વલખાં મારવા પડે ? અને એ પણ ઊનાળામાં નહીં, શિયાળામાં ? આ સ્થિતિ સર્જાય એ જ કેવી કરૂણતા કહેવાય ? વાત થોડી નવાઇ લાગે એવી તો છે પણ આ જ તો હકીકત છે, વલસાડના કપરાડાની.

| Edited By: | Updated on: Jan 05, 2024 | 11:52 PM

વલસાડ જિલ્લાનું ચેરાપુંજી ગણાતો એવો આ કપરાડા તાલુકો છે જ્યાં જિલ્લાનો સૌથી વધુ 125 ઇંચ વરસાદ નોંધાયો છે. છતાં કપરાડા તાલુકાના ગામોમાં શિયાળાથી જ પીવાના પાણીની સમસ્યાની શરૂઆત થઈ ચૂકી છે. હજી તો ઉનાળામાં વાત ક્યાં પહોંચશે જરા વિચાર કરો. કરોડોની પાણીની યોજના હોવા છતાં કપરાડા તાલુકાના બુરવડ ગામમાં લોકોએ પાણી માટે આ રીતે રીતસરની દડમજલ કરવી પડે છે. ગામમાં પાણી માટે કુવા અને બોરિંગો તો છે પરંતુ શિયાળાની શરૂઆતમાં જ પાણીના સ્તર નીચે જતાં આ સમસ્યા ઉભી થઈ છે. એવું નથી કે સરકારનું અહીં ધ્યાન નથી. સરકાર દ્રારા તો કરોડો રૂપિયાની એસ્ટ્રલ પાણીની યોજના થકી ઘર ઘર નળ મુકવામાં આવ્યા છે, પરંતુ એ જ સરકારી તંત્રની બલિહારી કે યોજના શરૂ થયા બાદ થોડા સમય માટે પાણી આવ્યું અને હવે ફરી પાણી આવવાનું બંધ થઈ જતાં ગ્રામજનોને હાલાકી પડી રહી છે.

આ પણ વાંચો : અયોધ્યામાં રામ મંદિરના સિંહદ્વાર પર ગુજરાતના ડબગર સમાજે તૈયાર કરેલુ 500 કિલોનું વિશાળ નગારુ વધારશે શોભા- જુઓ વીડિયો

એવું નથી કે સ્થાનિકોએ પોતાની મુશ્કેલીની જાણ ન કરી હોય. તંત્રને અનેક વખત રજૂઆત કરાઇ છે. પરંતુ સ્થિતિ ઠેરની ઠેર. છેલ્લાં દોઢ વર્ષથી સ્થાનિકોએ આજ રીતે પાણી માટે દોઢથી બે કિલો મીટર દૂર જવું પડે છે. ત્યાં પણ કલાકો પાણી માટે લાઇનમાં ઉભા રહેવું પડે છે.જે કૂવામાંથી સ્થાનિકો પાણી લઇ રહ્યાં છે તે પણ ગંદુ છે. ત્યારે આશા રાખીએ કે ઘરે બેસીને ફિલ્ટર્ડ પાણી પીતા અધિકારીઓ પાણીમાં બેસી જવાને બદલે સામાન્ય માણસોની આ પાણીની સમસ્યા સમજે અને તેનો ઉકેલ લાવે.

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:49 pm, Fri, 5 January 24