Junagadh: સાસણ ગીરમાં 20 હજાર કરતા વધુ પ્રવાસીઓએ સફારી પાર્કની મુલાકાત લીધી, સિંહ દર્શનનો માણ્યો આનંદ

| Edited By: | Updated on: Dec 30, 2022 | 11:34 PM

Junagadh: સાસણ ગીરમાં નવા વર્ષને ઉજવવા પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. સિંહ દર્શન માટે વિવિધ રાજ્યોમાંથી 20 હજાર કરતા વધુ પ્રવાસીઓએ સફારી પાર્કની મુલાકાત લીધી હતી.

જુનાગઢ જિલ્લો પ્રવાસન હબ તરીકે વિકાસ પામી રહ્યો છે, ત્યારે નવા વર્ષની ઉજવણીને લઈને સાસણગીરમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. કોરોના કાળના બે વર્ષ બાદ સાસણગીરમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી પ્રવાસીઓ ઉમટી પડયા હતા. 20 હજાર કરતાં પણ વધુ પ્રવાસીઓએ સફારી પાર્કની મુલાકાત લીધી હતી. જેમાં કુદરતી સૌંદર્ય વચ્ચે સિંહણ અને તેમના બચ્ચાંઓને ખિલખિલાટ કરતા નિહાળીને પ્રવાસીઓ ખુશ થયા હતા. પ્રવાસીઓ માટે સાસણમાં વોકિંગ ટ્રેક અને નેચર કેમ્પ જેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. પ્રવાસીઓના ધસારાના પગલે 150 ટ્રીપનું બુકિંગ આગામી 5 જાન્યુઆરી સુધી ફૂલ છે.

 60 હજારથી વધુ યાત્રિકોએ કર્યા સોમનાથ દાદાના દર્શન

આ તરફ ક્રિસમસના મીની વેકે્શનને લઈ ગીર સોમનાથના જુદા-જુદા પર્યટન સ્થળોએ પણ યાત્રિકો ઉમટી પડ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં યાત્રાળુઓનો જમાવડો જોવા મળ્યો છે. ક્રિસમસના બે દિવસમાં સોમનાથ મંદિરમાં કુલ 60 હજારથી વધુ યાત્રિકોએ સોમનાથદાદાના દર્શન કર્યા હતા.

અહીં દરિયાની લહેરોની વચ્ચે દાદાના દર્શનનો લાભ મળે છે. સાથે જ સાસણ ગીરના સિંહો અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના બીચથી લોકોને એકજ જગ્યા પર વૈવિધ્યસભર અનુભવ કરાવે છે. લોકોનો ધસારો વધતા સોમનાથના તમામ અતિથિગૃહો અને ગેસ્ટ હાઉસો 3 જાન્યુઆરી સુધી હાઉસફૂલ થયા છે. ભોજનાલયો, ટુર્સ ટ્રાવેલ્સના ધંધાર્થીઓ સહિત સ્થાનિક વેપારીઓ પણ ખુશી અનુભવી રહ્યા છે.

દીવ ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત

31 ડિસેમ્બરને લઈ ગીર સોમનાથ પોલીસે દીવ ચેક પોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. દારૂની ઘૂષણખોરી અને નશાખોરોને રોકવા પોલીસે સઘન ચેકીંગ કર્યું હતું. તડ અને માંડવી ચેકપોસ્ટ પર વાહનોની તપાસ કરવામાં આવી હતી. બીજી તરફ નવા વર્ષને ઉજવવા પ્રવાસીઓનો પણ ભારે ધસારો જોવા મળ્યો હતો. જેને લઈને પોલીસે ચેકિંગ વધારી દીધું છે.