Monsoon 2023: જૂનાગઢના માંગરોળમાં નોરી નદીના પુલ પર ગાબડું પડ્યું છે. ધસમસતા પ્રવાહથી પુલમાં ગાબડું પડ્યું હોવાનું સેમ આવ્યું છે. ભારે વરસાદને કારણે મોટા પ્રમાણમાં પાણીની અવાક થઈ છે. જેમાં શેખપુરા, વીરડી, લંબોરા, ચોટલી ગામનો સંપર્ક તૂટ્યો છે. વરસાદની આ પરિસ્થિતીને લઈ માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ પણ સ્થળ સમીક્ષા કરી હતી. અધિકારીને તાત્કાલીક કામ કરવા સૂચના આપી હતી.
બીજી તરફ જૂનાગઢમાં માંગરોળના ઝરીયાવાળા ગામે મરઘા ફાર્મમાં પાણી ભરાતા અંદાજે 6 હજાર મરઘાઓના મોત થયા છે. તમામ મરઘાઓને ખાડો કરીને દાટી દેવાયા છે. વરસાદને કારણે જૂનાગઢમાં ઘેડ પંથકની સમસ્યાને લઇને ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ મુખ્યપ્રધાનને રજૂઆત કરી હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટનામાં CMની સીધી નજર, અમદાવાદ પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ થશે તપાસ
મુખ્યપ્રધાને બોલાવેલી સમીક્ષા બેઠકમાં ઘેડ પંથકની સમસ્યા અંગે તેમણે CMને રજૂઆત કરી હતી. મુખ્યપ્રધાનને ઘેડની સમસ્યા અંગે માહિતગાર કરાયા હતા અને સમસ્યાના કાયમી ઉકેલ માટે સૂચનો અપાયા હતા. ઘેડ પંથકની નદી પહોળી કરવાની રજૂઆત કરાઈ હતી. સાથે જ મઘુવંતી ડેમમાં હાઈડ્રોલીક દરવાજા ઉભા કરવાની પણ માગ મુકાઈ હતી. ઘેડ પંથકમાં ડેમ તૈયાર કરવાનું પણ ધારાસભ્યએ સૂચન કર્યુ હતુ.