Junagadh: ગણેશપર્વ પર બાપ્પાના પંડાલમાં જોવા મળ્યો આરતી અને બંદગીનો સમન્વય, લોકગાયક શબ્બીર ચોરવાડાએ આપ્યો કોમી એક્તાનો સંદેશ

|

Sep 02, 2022 | 8:56 PM

Junagadh: શહેરના મધુરમ વિસ્તારમાં ગણેશપર્વ પર જોવા મળે છે કોમી એક્તા અને સાંપ્રાદાયિક સૌહાર્દનો સમન્વય. અહીં ગણેશ પંડાલમાં લોકગાયક શબ્બીર ચોરવાડા ગણેશજીની આરતી કરતા પણ જોવા મળે છે અને ખુદાની બંદગી પણ કરે છે આ સાથે તેઓ કહે પણ છે કે હિંદુસ્તાન એક્તાથી જ આગળ વધશે

ગણપતિ પંડાલમાં પૂજા અને આરતી ઉતારી મુસ્લિમ યુવકો અને વડીલો કોમી એકતાનું આદર્શ ઉદાહરણ પૂરૂ પાડતા હોય તેવા દ્રશ્ય અનેક સ્થળે જોવા મળે છે. જુનાગઢ (Junagadh)ના મધુરમ વિસ્તારના લોકગાયક શબ્બીર ચોરવાડા પણ સોસાયટીના ગણેશ મહોત્સવ (Ganeshotsav)માં વર્ષોથી હોંશે-હોંશે ભાગ લે છે. ગણપતિ મહારાજમાં અપાર શ્રદ્ધા ધરાવતો શબ્બીર શ્રીજીના સુશોભન અને પૂજાની તૈયારી કરે છે. હિંદુ શ્રદ્ધાળુની જેમ આરતી ઉતારી સોસાયટીના અન્ય ભક્તોને પ્રસાદ પણ વહેંચે છે. ગણેશ મહોત્સવ સમયે બટુક ભોજન, લોકડાયરો, સત્યનારાયણની કથા સહિતના કાર્યક્રમોમાં પણ શબ્બીર અને તેની પત્ની રેશ્મા ચોરવાડા પૂરતો સહકાર આપે છે. ગણપતિ પંડાલમાં જ શબ્બીર નમાઝ પણ પઢે છે. બાપ્પાના પંડાલમાં હિંદુ અને મુસ્લિમ (Hindus and Muslims) બંને પૂજા પદ્ધતિથી પ્રભુને પ્રાર્થના કરી સુખ-શાંતિ અને સમૃદ્ધિની કામના કરવામાં આવે છે.

ગણેશજીના પંડાલમાં આરતી અને બંદગીનો સમન્વય

જૂનાગઢની હિંદુ બહુલ મધુરમ વિસ્તારની ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા શબ્બીર ચોરવાડાનો પરિવાર ગણેશ મહોત્સવ જ નહીં નવરાત્રિની પણ હર્ષોલ્લાસભેર ઉજવણી કરે છે. શબ્બીર ચોરવાડાના ઘરે પણ ખોડિયાર માતાનો મઢ રાખીને રોજ પૂજા કરે છે. દેશમાં કેટલાક તત્વો એવા પણ છે, હિંદુ-મુસ્લિમો વચ્ચે વૈમન્સ્ય ફેલાવી નફરતના બીજ રોપી બે સમુદાયને લડાવવાનું કામ કરે, પરંતુ અહીં  માનવતાને જ પરમધર્મ માનતા બંને સમુદાયના લાખો લોકો હળી-મળીને દેશને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે. લોકગાયક શબ્બીર ચોરવાડાના જણાવ્યા મુજબ એક્તાથી જ હિંદુસ્તાન આગળ વધશે અને એક્તાથી રહીશુ તો કોઈ તાકાત તોડી નહીં શકે. ત્યારે ગણેશપર્વ નિમીત્તે તેઓ કહે છે હું એક જ પ્રાર્થના અને બંદગી કરુ છુ અમારી વચ્ચે આમ જ એક્તા જળવાઈ રહે.

Next Video