જુનાગઢમાં 22 મી ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મેળામાં ઉમટી પડે છે. આજે મેળાવા ત્રીજા દિવસે ભાવિ ભક્તો ભવનાથ મહાદેવના દર્શને ઉમટ્યા છે. સમગ્ર ભવનાથ તળેટી હર હર મહાદેવ અને જય ગીરનારીના નાદથ ગૂંજી ઉઠી છે. મેળાના અદ્દભૂત આકાશી દૃશ્યો પણ સામે આવ્યા છે. અહીં ચકડોળ સહિતની અનેક રાઈડ્સ પણ રાખવામાં આવી છે.
મેળામાં આવનારા ભાવિકો માટે અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા છે. સંત, શુરા, સતી અને દાતાઓની આ ભૂમિમાં હાલ ભજન, ભોજન ભકિતનો ત્રીવેણી સંગમ જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રીના આ મેળામાં સહભાગી થવા માટે દેશભરમાંથી વિવિધ અખાડાના સાધુ સંતો મેળામાં સહભાગી થવા આવી પહોંચ્યા છે. હર હર મહાદેવના નાદ સાથે ભાવિકો જપ, તપ અને આરાધનામાં લીન બન્યા છે. હાલ ભવનાથમાં 100 થી વધુ અન્નક્ષેત્ર ચાલી રહ્યા છે. શિવ આરાધનામાં લીન થવાના આ મહાઅવસરમાં અન્નક્ષેત્રોમાં હરીહરનો સાદ સંભળાશે. આ તરફ અહીં આવતા ભાવિકોની સુરક્ષા માટે પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
ભવનાથમાં આયોજિત થતા મહાશિવરાત્રીના આ મેળામાં સાધુઓનું શાહી સ્નાન અને શાહી રવેડી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ દરમિયાન મૃગીકુંડમાં શાહી સ્નાનનુ અનેરુ મહત્વ છે. ભવનાથમાં પરંપરાગત રવેડી બાદ સાધુ-સંતો વહેલી સવારે મૃગીકુંડમાં સ્નાન કરે છે અને આ સ્નાન બાદ મેળો સંપન્ન થાય છે. મહાશિવરાત્રીના કારણે સોમનાથ મંદિર સહિત સમગ્ર સોરઠમાં લોકો ભગવાન શિવની ભક્તિમાં લીન થાય છે અને જય ગિરનારી, બમ બમ ભોલે અને હરહર મહાદેવના નારા સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની જાય છે.
ગેબી ગીરનારમાં અનેક સિદ્ધહસ્ત સાધુઓ ભૂગર્ભમાં ગુફા કરીને તપ કરતા હોય છે. આ સાધુઓ ભવનાથમાં મહાશિવરાત્રીએ મંદિર પર ધજા ચઢે ત્યારે જ વર્ષમાં માત્ર એકવાર ગુફામાંથી બહાર આવે છે અને શિવરાત્રી પુરી થતા આ સાધુઓ પરત ક્યાં અને ક્યારે ફરે છે તે રહસ્ય આજસુધી અકબંધ રહ્યુ છે. જો કે એક માન્યતા એવી છે કે શિવરાત્રીની મધરાતે રવાડી બાદ ભવનાથ મંદિરના મૃગી કુંડમાં સ્નાન લેતા કેટલાક અદૃશ્ય થઈ જાય છે. ગેબી ગીરનારની ગોદમાં આવા અનેક અકળ રહસ્યો ધરબાયેલા છે. જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યુ નથી.
નાગા સાધુઓ અને મૃગી કુંડ વિશેનું આ રહસ્ય આજે પણ હજારો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે. ભવનાથ મહાદેવ મંદિર અને મહાશિવરાત્રી મેળો માત્ર ધાર્મિક મહત્વ જ ધરાવતો નથી, તે રહસ્યમય અને અધ્યાત્મિક શક્તિઓનો અનુભવ કરાવતો મેળો છે. આ મેળો ગુજરાતની સંસ્કૃતિ, આસ્થા અને પરંપરાનું પ્રતિબિંબ છે. ખાસ કરીને નાગા સાધુઓની શોભાયાત્રા, ભજન-કીર્તન, ધાર્મિક વિધિઓ અને લોકજાતિની હાજરી મેળાને અનન્ય બનાવે છે.
Published On - 7:39 pm, Mon, 24 February 25