જુનાગઢ: સિંહની પજવણીનો વધુ એક Video વાયરલ, તોફાની તત્વોએ સિંહોની પાછળ કાર દોડાવી, ફ્લેશ લાઈટ મારી ઉશ્કેર્યા
Junagadh: સિંહોની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. પ્લાસ્વા ગામ પાસે કારમાં જઈ રહેલા તોફાની તત્વોએ રસ્તા પર જઈ રહેલા સિંહો પાછળ કાર દોડાવી તેમની પજવણી કરી હતી, તેમની સામે ફ્લેશલાઈટ મારી ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો.
જુનાગઢમાં ફરી એકવાર સિંહની પજવણી કરાઈ હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો પ્લાસ્વા ગામ પાસેનો હોવાનું સામે આવ્યુ છે. વાયરલ વીડિયોના પગલે વન વિભાગ પ્લાસવા ગામ પહોંચ્યુ હતુ. સિંહને રસ્તા પર અને દીવાલ પર દોડાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સિંહોની પાછળ કાર દોડાવી ફ્લેશ લાઈટથી તેને પરેશાન કરવામાં આવ્યા હતા. યુવકે કારના બોનેટ પર બેસી સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. આ સમગ્ર બનાવને લઈને વન અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. છાશવારે સિંહોની પજવણીની ઘટના સામે આવતી રહે છે.
રસ્તા પરથી રાત્રિના સમયે સિંહો પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમની પાછળ કાર દોડાવી તેમને દોડાવવામાં આવ્યા. તેમની સામે ફ્લેશલાઈટ મારી હેરાન કરવામાં આવ્યા હતા અને કારના બોનેટ પર બેસી સિંહોને દોડાવતો વીડિયો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ વનવિભાગ દોડતુ થયુ છે. જો કે એ પહેલા જ્યારે આ પ્રકારનો વીડિયો બન્યો ત્યારે કેમ વન વિભાગના કોઈ અધિકારીને તેની જાણ ન થઈ, આ પ્રકારના સિંહોની પજવણીના વીડિયો અવારનવાર સામે આવતા રહે છે, ત્યારે વનવિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠે છે. જો વન વિભાગ સજાગ હોય તો કોઈ આવા વીડિયો બનાવવાની હિંમત કરી શકે ખરુ તે પણ એક મોટો સવાલ છે હાલ તો આ વીડિયો બનાવનારા કોણ હતા, વીડિયો કેટલો જૂનો છો તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઈનપુટ ક્રેડિટ- વિજયસિંહ પરમાર- જુનાગઢ