Jamnagar: છેલ્લા 3 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ, શહેરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ 88 ટકા ભરાયો
જામનગરમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સાર્વત્રિક વરસાદના કારણે જિલ્લાના ડેમોમાં પાણીની ભારે આવક થઇ છે. ત્યારે શહેરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ 88 ટકા ભરાઇ ગયો છે.
Jamnagar: જામનગરમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સાર્વત્રિક વરસાદના કારણે જિલ્લાના ડેમોમાં પાણીની ભારે આવક થઇ છે. ત્યારે શહેરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ 88 ટકા ભરાઇ ગયો છે. રણજીતસાગર ડેમમાં 25 ફૂટની સપાટી સુધી પાણી ભરાઇ ગયુ છે. તથા આગામી સમયમાં વરસાદની આગાહીના પગલે ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. રણજીતસાગર ડેમની સ્થિતિને જોતા તંત્ર પણ એલર્ટ થઇ ગયુ છે. નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા માટે તંત્રએ અપીલ કરી છે.
કાલાવડ શહેરમાં બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ
જામનગર જિલ્લામાં સાર્વજનિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જામજોધપુરમાં વહેલી સવારથી જ વરસેલા વરસાદની વાત કરીએ તો 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. જામનગર, કાલાવડ અને ધ્રોલમાં અડધો ઈંચથી લઇને બે ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. છેલ્લા 3 દિવસથી જામનગરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જામનગર જિલ્લાના કાલાવડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કાલાવડ શહેરમાં માત્ર બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. નિકાવા, મોટાવડાલા, જસાપર, નવાગામ સહિતના ગામમાં વરસાદ પડ્યો. જ્યારે ઉમરાળા, શિસાંગ સહિત અનેક ગામોમાં વહેલી સવાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા હતા.
ગુજરાતમાં 205 તાલુકામાં મેઘમહેર
ગુજરાતમાં મેઘરાજાની મહેર સતત વરસી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાક એટલે કે 14 સપ્ટેમ્બર સવારે 6 કલાકથી 15 સપ્ટેમ્બર સવારે 6 કલાક સુધીમાં રાજ્યના 205 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી 91 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. તો સુરેન્દ્રનગરના સાયલામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. નવસારીમાં 3.5, મોડાસામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. વાપી, ગઢડા અને બાબરામાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો છે.