કોંગ્રસ નેતા ભરતસિંહના વિવાદીત બોલ બાદ ભાજપ-કોંગ્રેસ આમને સામને, જાણો શું છે સમગ્ર મામલો ?

|

May 25, 2022 | 8:13 AM

જાહેર મંચ પરથી ભરતસિંહ સોલંકીએ (Bharatsinh Solanki) ભાજપ પર રામ મંદિરના નામે રૂપિયા ઉધરાવીને લોકોને ઉલ્લુ બનાવવાનો આરોપ લગાવ્યો હતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat election) પહેલા કોંગ્રેસના અગ્રણી નેતા ભરતસિંહ સોલંકીએ (Bharatsinh Solanki) રામ મંદિર અંગે નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે. જેને લઈને ભાજપના પ્રવક્તા, ગૃહ પ્રધાન હર્ષ સંઘવી ((Harsh Sanghvi) સહિત ભાજપ પક્ષે કોંગ્રસ નેતાને આડેહાથ લીધા છે. ભાજપે કહ્યું કે, રામ મંદિર પર અભદ્ર ટીપ્પણી કરવા મુદ્દે ભારતના નાગરિકો અને હિન્દુઓ ક્યારેય માફ નહી કરે. તો બીજી તરફ ભરતસિંહ કહેવુ છે કે, મે રામ મંદિર પર નહીં પરંતુ ભાજપની રાજનીતિ મુદ્દે ટીપ્પણી કરી છે.

હર્ષ સંઘવીએ ભરતસિંહના વિવાદાસ્પદ નિવેદન બાદ કહ્યું કે,કોંગ્રેસના નેતાએ આ પ્રકારનું નિવેદન આપીને કરોડો રામભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે. રામ મંદિર(Ram Temple) અને રામ શીલા પર આ પ્રકારની ટિપ્પણી યોગ્ય નથી. ભગવાન રામ વિશે આ પ્રકારની ટિપ્પણી કરનારને આગામી સમયમાં ભગવાન રામ જ જવાબ આપશે.

ભરતસિંહ સોલંકીના વાણી વિલાસથી રાજકારણ ગરમાયુ

તમને જણાવી દઈએ કે, જાહેર મંચ પરથી ભરતસિંહ સોલંકીએ ભાજપ પર રામ મંદિરના નામે રૂપિયા ઉધરાવીને લોકોને ઉલ્લુ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. રામ મંદિર માટે ઉઘરાવેલી ઇંટો પર શ્વાન પેશાબ કરતા હતા,કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ આ વિવાદીત નિવેદન આપતા ભાજપ આકરા પાણીએ જોવા મળી રહ્યુ છે. જાહેર કાર્યક્રમના મંચ પરથી ભરતસિંહ સોલંકીએ રામ મંદિરનો રાગ આલાપ્યો અને સભ્ય સમાજને ન શોભે તેવા શબ્દોનો પ્રયોગ કર્યો.

ભરતસિંહ આટલેથી જ ન અટક્યા, અને રામ મંદિરના નામે ભાજપ પર પણ પ્રહાર કર્યો. ભરતસિંહે ભાજપ પર રામ મંદિરના નામે રૂપિયા ઉધરાવીને લોકોને ઉલ્લુ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. મંચ પરથી ભાષણમાં અભદ્ર ભાષાના ઉપયોગ બાદ પણ ભરતસિંહ પોતાના નિવેદન પર અડગ રહ્યા. જોકે તેઓએ સ્પષ્ટતા કરી કે, તેમની ટિપ્પણી રામ મંદિર મુદ્દે નહીં, પરંતુ ભાજપની ખોટી રાજનીતિ મુદ્દે હતી.

 

 

Next Video