વડોદરામાં સ્વાઈન ફ્લુના કેસ નોંધાતા SSG હોસ્પિટલનું તંત્ર થયુ સતર્ક, હોસ્પિટલમાં તૈયાર કરાયો અલાયદો વોર્ડ
વડોદરામાં સ્વાઈન ફ્લુના કેસ નોંધાતા SSG હોસ્પિટલનું તંત્ર સતર્ક બન્યુ છે અને સ્વાઈન ફ્લુના દર્દીને જો દાખલ કરવાની જરૂર પડે તો તેના માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે અને હોસ્પિટલમાં 24 બેડની સુવિધા સાથે વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.
વડોદરા (Vadodara)માં સ્વાઈન ફ્લુના કેસ નોંધાતા સયાજી હોસ્પિટલનું તંત્ર સતર્ક થઈ ગયુ છે. સ્વાઈન ફ્લુના દર્દીઓ માટે SSG હોસ્પિટલમાં 24 બેડ સાથેનો અલાયદો વોર્ડ (Isolation Ward) શરૂ કરવામાં આવ્યો છે. જોકે હાલ આ વોર્ડમાં સ્વાઈન ફ્લુ (Swine Flu)ના કોઈપણ દર્દીને દાખલ કરવાની ફરજ પડી નથી. પરંતુ ભવિષ્યમાં જરૂર પડે તો અગમચેતીના ભાગરૂપે અલગ વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. અન્ય કોઈ દર્દીને ચેપ ન લાગે તે હેતુથી તકેદારીના ભાગરૂપે વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ અલગ વોર્ડની સાથે મેડિકલ સ્ટાફ, દવાઓ સહિતની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
સ્વાઈન ફ્લુના વોર્ડમાં મેડિકલ સ્ટાફ, વેન્ટીલેટર સહિતની સુવિધા
બરોડા મેડિકલે કોલેજના મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. રૂપલ દોશીના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુના દર્દીઓને આઈસોલેશનમાં રાખવા માટે અલાયદો વોર્ડ તૈયાર જ છે. જેથી કરીને સંક્રમણ કે ચેપ લાગતો અટકાવી શકાય. સ્વાઈન ફ્લુ માટેના આ વોર્ડમાં ઓક્સિજન, વેન્ટીલેટર સહિતના જે પણ સાધનોની જરૂર પડે તે તૈયાર રાખવામાં આવ્યા છે. ઉપરાંત ડૉક્ટર્સનો સ્ટાફ પણ ડ્યુટી પર હાજર જ હોય છે જો કે હજુ સુધી સ્વાઈન ફ્લૂના એકપણ દર્દીને દાખલ કરવાની જરૂર ઉભી ન થતા આ વોર્ડ હાલ તો ખાલી જ છે.
હાલ જ્યારે સિઝનલ બિમારીના વાયરા છે ત્યારે મેલેરિયા, ડેન્ગ્યુ અને સ્વાઈન ફ્લુના પણ કેસ સામે આવી રહ્યા છે. જેને લઈને તંત્ર દ્વારા અત્યારથી જ રોગચાળાને ડામવા તૈયારીઓ હાથ ધરી દેવાઈ છે. જો સ્વાઈન ફ્લુના કોઈ દર્દીને દાખલ કરવાની જરૂરિયાત પડે તો તેના માટે પણ હવે SSG હોસ્પિટલનું તંત્ર સતર્ક બન્યુ છે અને અગમચેતીની તમામ પગલા પગલા લઈ રહ્યુ છે.
