દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત, ક્યાંક રાહત તો ક્યાંક આફત બન્યો વરસાદ

|

Sep 19, 2022 | 7:09 AM

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. જેના પગલે તંત્રએ વધુ પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. નર્મદા ડેમમાંથી ડાઉન સ્ટ્રિમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ભરૂચ નજીક નર્મદાનું જળસ્તર વધવાથી તંત્ર એલર્ટ બન્યું છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદ(Rain)ના વધુ એક રાઉન્ડે જળબંબકારની સ્થિતિનું સર્જન કર્યું છે. દક્ષિણ ગુજરાતના લાભગ તમામ સાતેય જિલ્લાઓમાં મેઘરાજા સમયાંતરે હાજરી પુરાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ , નવસારી, વલસાડ અને ડાંગમાં વધુ મેઘમહેર જણાઈ રહી છે. ભરૂચમાં પણ ગાઈકાલે સમીસાંજે અચાનક વાતાવરણમાં પલટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી અને ઠંડકનો અહેસાસ થયો હતો. જોરદાર વરસાદી ઝાપટા વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. જોકે વરસાદના વિરામ સાથે પાણી ઓસરી થતા તંત્ર સાથે સ્થાનિકોએ રાહત અનુભવી હતી.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. જેના પગલે તંત્રએ વધુ પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. નર્મદા ડેમમાંથી ડાઉન સ્ટ્રિમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ભરૂચ નજીક નર્મદાનું જળસ્તર વધવાથી તંત્ર એલર્ટ બન્યું છે. કાંઠા વિસ્તારના લોકોને સાવચેતી રાખવા વહીવટી તંત્રએ અપીલ કરી છે.

નવસારીના વાંસદા તાલુકામાં નેશનલ હાઇવે-56 ધોવાતા વાહનચાલકો પરેશાન થયા હતા. ભારે વરસાદને પગલે વાડીચોંઢા ગામ નજીક હાઇવેનું ધોવાણ થતા નેશનલ હાઇવે ઓથોરિટીએ ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. હાલ હાઈવે બંધ કરી ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ખેતીને પણ ભારે નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે.

વલસાડના કપરાડામાં ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. કપરાડા તાલુકાના જીરવલમાં કોઝવે પાણીમાં ગરકાવ થતા જીવના જોખમે લોકો કોઝને પસાર કરવા મજબુર બન્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કોલક નદી બે કાંઠે વહેવા લાગી હતી અને કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા. ગામલોકો કોઝવે પરથી જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા હતા.

 

Published On - 7:09 am, Mon, 19 September 22

Next Video