Gujarat High Court: ગુજરાતમાંથી હજ માટે જનારા યાત્રીઓ પાસેથી વધુ ભાડું વસૂલવા મુદ્દે હજયાત્રીઓએ હવે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હજયાત્રીઓની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ. જે દરમિયાન હાઇકોર્ટે હજ સમિતિ તેમજ લઘુમતિ બાબતોના મંત્રાલયને ખુલાસો આપવા નોટિસ ફટકારી છે. હજ માટે ગુજરાતમાંથી અંદાજે 10 હજાર જેટલા હાજીઓની પસંદગી કરાઇ છે. પરંતુ દેશના મુંબઇ, હૈદરાબાદ અને બેંગાલુરૂ એમ ત્રણેય એરપોર્ટ કરતા અમદાવાદ એરપોર્ટથી જેદ્દાહનું અંતર ઓછું હોવા છતાં ગુજરાતના હજયાત્રીઓ પાસેથી અંદાજે 70 હજાર રૂપિયા વધુ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. અગાઉ આ તફાવત ફક્ત 2 થી 5 હજાર રૂપિયાનો હતો.
આ મુદ્દે હવે હજયાત્રીઓ હાઇકોર્ટ પહોંચ્યા છે. ગુજરાત હાઈકોર્ટે લઘુમતિ બાબતોના મંત્રાલય, કેન્દ્રીય હજ સમિતિ અને ગુજરાત રાજ્ય હજ સમિતિને ગુજરાતના હાજીઓ પાસેથી વધુ પૈસા કેમ લેવામાં આવે છે? તે અંગે ખુલાસો કરવા માટે નોટિસ ફટકારી છે. ઉપરાંત આ વર્ષે હાજીઓને 2100 સાઉદી રિયાલ કેમ નથી આપવામાં આવી રહ્યા? તેવો પ્રશ્ન પણ હાઇકોર્ટે કર્યો. સમગ્ર મામલે હાઇકોર્ટમાં હવે 2 જૂનના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : પાકિસ્તાની પત્રકાર સામી અબ્રાહમ ઘરે પરત ફર્યા, ગયા અઠવાડિયે તેનું અપહરણ કરાયું હતું
અમદાવાદ એરપોર્ટથી જેદ્દાહ એરપોર્ટ સુધીનું અંતર 3430 કિલોમીટર છે અને ભાડું 3.72 લાખ રૂપિયા વસૂલવામાં આવે છે. જયારે કે બેંગાલુરૂ એરપોર્ટથી જેદ્દાહ એરપોર્ટનું અંતર 4173 કિલોમીટર છે અને તેનું ભાડું 3.03 લાખ રૂપિયા છે. હૈદરાબાદ એરપોર્ટથી જેદ્દાહ એરપોર્ટનું અંતર 4132 કિલોમીટર છે અને તેનું ભાડું 3.05 લાખ રૂપિયા છે. તો મુંબઈ એરપોર્ટથી જેદ્દાહ એરપોર્ટ સુધીનું અંતર 3515 કિલોમીટર છે અને તેનું ભાડું 3.04 લાખ રૂપિયા છે. અમદાવાદ સિવાયના અન્ય ત્રણેય એરપોર્ટથી જેદ્દાહ સુધીનું અંતર વધુ છે અને ભાડું પણ ઓછું છે. જ્યારે કે અમદાવાદ એરપોર્ટથી જેદ્દાહ સુધીનું અંતર ઓછું હોવા છતાં ભાડું વધુ વસૂલાઇ રહ્યું છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો