બનાસકાંઠામાં આદિવાસી વિદ્યાર્થીઓએ જાતિના દાખલા કઢાવવામાં પડતી હાલાકીને લઈ તંત્ર સામે માંડ્યો મોરચો, મામલતદાર કચેરીનો કર્યો ઘેરાવ

|

Jul 28, 2022 | 10:08 PM

બનાસકાંઠામાં આદિજાતિના વિદ્યાર્થીઓએ જાતિ અને આવકના દાખલા મેળવવામાં પડતી હાલાકીને લઈને તંત્ર સામે મોરચો માંડ્યો છે. દાંતાના આદિવાસી વિદ્યાર્થીઓ સહિત અન્ય અરજદારોએ મામલતદાર કચેરીનો ઘેરાવ કર્યો હતો.

બનાસકાંઠા (Banaskantha)ના આદિવાસી વિદ્યાર્થીઓને (Tribal Students)જાતિ અને આવકની દાખલા મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી પરેશાન વિદ્યાર્થીઓએ તંત્ર સામે મોરચો માંડ્યો છે. દાંતા (Danta)તાલુકાના આદિવાસી વિદ્યાર્થીઓ અને અન્ય અરજદારોએ તેમજ ધારાસભ્યોએ દાખલા મુદ્દે મામલતદાર કચેરીનો ઘેરાવ કર્યો હતો અને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અરજદારોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. અરજદારોનો આક્ષેપ છે કે છેલ્લા એક મહિનાથી મામલતાદાર કચેરીએ આવકના દાખલા માટે અને જાતિના પ્રમાણપત્ર માટે આવી રહ્યા છે પરંતુ મામલતદાર કચેરી દ્વારા જાતિના દાખલો કાઢી આપવા માટે પરેશાન કરવામાં આવે છે.

પુરતા પ્રમાણપત્રો અને તમામ પુરાવાઓ હોવા છતા અન્ય વિગતો માગી અરજદારોને બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવે છે. પુરાવાઓ આપ્યા બાદ પણ 20-20 દિવસ સુધી દાખલા કાઢી આપવામાં આવતા નથી. છેલ્લા એક મહિનાથી આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ ધક્કા ખાઈ રહ્યા છે તેમ છતા તેમને દાખલા મળી રહ્યા નથી. આથી કચેરી દ્વારા જાતિના દાખલા સરળતાથી મળી રહે તેવી માગ અરજદારોએ કરીછે.

અરજદારોએ ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી

અગાઉ દાંતા તાલુકાના આદિવાસી સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ અને રજૂઆત કરાઈ હતી કે આદિવાસી લોકોને જાતિના દાખલા ચકાસણી કરીને આપવામાં આવે અને ખોટા દાખલા ન નીકળે તેની તકેદારી રાખવામાં આવે. જેથી મામલતદાર કચેરી દ્વારા જાતિના દાખલ માટે આવતા વિદ્યાર્થીઓ અને અરજદારોના તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવે છે અને ક્ષતિ સુધારવા પણ મોકલવામાં આવે છે. બીજી તરફ ધારાસભ્ય કાંતિ ખરાડીએ સરકારના ઇશારે આદિવાસી વિદ્યાર્થીઓને ખોટી કનડગત કરાતી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ જો સમસ્યાનું સમાધાન નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

(ઈનપુટ ક્રેડિટ – અતુલ ત્રિવેદી- બનાસકાંઠા)

Published On - 10:08 pm, Thu, 28 July 22

Next Video