જામનગરના કાલાવડના રાજસ્થળી ગામમાં સરકારી જમીન પર ખેડૂતોના દબાણ સામે તંત્ર મુકપ્રેક્ષક બન્યુ છે. જસાપરના પરેશ વસોયા નામના ખેડૂતે સરકારી જમીન પર ગેરકાયદે દબાણ હોવાની ગત માર્ચ મહિનામાં ફરિયાદ નોંધાવી હતી. આપને જણાવી દઈએ કે, આ અંગે ખેડૂતે ક્લેક્ટરને લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ફરિયાદ કરી હતી.જેના આધારે મામલતદાર અને સર્કલ ઓફિસરે તપાસ શરૂ કરી અને સરકારને રિપોર્ટ પણ કરાયો હતો.
જોકે સરકારી જમીન પર આજે પણ દબાણ યથાવત છે. એટલુ જ નહીં આ જમીન પર ખેતી પણ કરવામાં આવે છે. પરંતુ ફરિયાદીની વારંવાર રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નથી. અને જાણે તંત્ર મુકપ્રેક્ષકની ભૂમિકામાં હોય તેવુ લાગી રહ્યુ છે.
આપને જણાવી દઈએ કે, થોડા દિવસો જામનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ગેરકાયદે દબાણ દૂર કરવા માટે મનપા દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતુ. સાત દિવસ સુધી ચાલેલા આ અભિયાનમાં તંત્રએ પોલીસ બંદોબસ્ત વચ્ચે 130થી વધારે ગેરકાયદે દબાણ દુર કરીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા બે ધાર્મિક સ્થળોનું દબાણ પણ દૂર કર્યું હતું. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાની વસુલાત માટે પણ કવાયત શરુ કરી છે.તેની વચ્ચે આ તરફ કાલાવડ તાલુકામાં તંત્રનુ કંઈક અલગ જ વલણ જોવા મળ્યુ છે.