અમદાવાદના એસજી હાઇવે પર આવેલ એસજીવીપી ગુરુકુળના રજત જયંતિ મહોત્સવના ઉપક્રમે તારીખ 27 થી 31 ડિસેમ્બર સુધી પુરાણીસ્વામી સ્મૃતિ મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા.
સંતો આશીર્વાદ બાદ અમિત શાહે જણાવ્યું કે આ પાવન ધરતી મારા માટે નવી નથી, હું વારંવાર આ જગ્યા પર આવતો રહ્યો છું. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ધારાસભ્યોના અનેક અભ્યાસ વર્ગો SGVP માં થતા હતા. એસજીવીપીની ગુરુકુળમાં બાળકને દેશભક્ત બનાવવાનું શુભ કાર્ય થાય છે.
દેશના ગૃહપ્રધાને આગળ કહ્યુ કે, સ્વામિનારાયણ સંપ્રદાય સમગ્ર દેશ અને દુનિયામાં પોતાની સેવાકીય પ્રવૃત્તિ કરે છે. પરંતુ એનો સૌથી વધારે લાભ ગુજરાતને પ્રાપ્ત થયો છે. જો સ્વામિનારાયણ સંપ્રદાયની ગુરુકુળો રાજ્યમાં કાર્યરત ના હોત તો સર્વ શિક્ષા અભિયાન અધૂર રહી ગયું હોત. આદિવાસી વિસ્તારોમાં જ્યાં ધર્માંતરણ થાય છે ત્યાં પણ સંપ્રદાયે સારું કામ કરી બાળકોને સનાતન સાથે જોડી રાખવાનું કામ કર્યું છે.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કહ્યું કે 500 વર્ષમાં ભગવાન રામની જગ્યાને નષ્ટ કરી દેવાઈ હતી. વર્ષો વર્ષ અદાલતોમાં કેસ ચાલ્યા અને એ કેસોને અટકાવવામાં આવતા હતા. જોકે નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ હવે 22 જાન્યુઆરીએ ભગવાન રામની પોતાના ઘરમાં પુનઃ સ્થાપના થવા માટે જઈ રહી છે. ભારતની આઝાદીના સ્વર્ણિમ કાળ માં ભગવાન રામની પુનઃસ્થાપના આ પણ એક સંયોગ છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર દેશ માટે શુભ ઘડી શુભ અવસર સમાન છે.
Published On - 6:57 pm, Sat, 30 December 23