ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. મંગળવારે દિવસ ભર વરસાદ વરસાવાને લઈને નદી અને જળાશયોમાં પાણીની આવકો નોંધાઈ છે. ગીર સોમનાથ ના તાલાળા નજીક આવેલ હિરણ-2 ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે. પાણીની ભારે નવી આવક થવાને લઈ હિરણ-2 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ રુલ લેવલ સુધી ભરાઈ જવાને લઈ હિરણ ડેમના તમામ 7 દરવાજા ખોલી દેવાની ફરજ પડી હતી. ડેમના દરવાજા ખોલવામાં આવતા નદીમાં પૂરની સ્થિતી સર્જાઈ હતી.
જિલ્લાના સુત્રાપાડા વિસ્તારમાં નવ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈ પ્રશ્નાવાડા આરોગ્ય કેન્દ્રમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. સુત્રાપાડા અને આસપાસના વિસ્તારમાં કમર સમા પાણી રસ્તાઓ પર ભરાઈ જવા પામ્યા હતા. તાલાલા સહિતના વિસ્તારમાં મંગળવારે દિવસભર વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘરાજા આજે મનમુકીને વરસ્યા હતા.
Published On - 9:38 pm, Tue, 18 July 23