Monsoon 2022: ઉત્તર ગુજરાતમાં વરસાદની ધબધબાટી, મહેસાણા અને બનાસકાંઠામાં 4 ઇંચથી વધુ વરસાદ

|

Jul 24, 2022 | 10:42 AM

ઉત્તર ગુજરાતમાં અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે. બનાસકાંઠા (Banaskantha) અને મહેસાણા (Mehsana) જિલ્લામાં અનેક ઠેકાણે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે

ગુજરાતમાં (Gujarat) ફરી આગાહી અનુસાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. ગઇકાલે મોડી સાંજથી ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ભારે વરસાદને પગલે ઉત્તર ગુજરાતમાં અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે. બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં અનેક ઠેકાણે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા (Mehsana) જિલ્લામાં રાત્રિ દરમિયાન સૌથી વધુ કડીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો બનાસકાંઠામાં (Banaskantha) સૌથી વધુ ભાભરમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ભાભર, સુઈગામ, દિયોદરમાં ભારે વરસાદ

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. મોડીરાતથી ભાભર, સુઈગામ, દિયોદરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા છે. જિલ્લામાં સૌથી વધુ ભાભરમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો સુઈગામમાં 4 ઈંચ, દિયોદરમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. તો થરાદ અને વાવમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. દાંતીવાડા અને કાંકરેજમાં 1-1 ઈંચ વરસાદ વરસ્યો છે. અમીરગઢમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો છે.

કડીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

આ તરફ મહેસાણા જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કડીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. મહેસાણામાં 3.10 ઈંચ અને જોટાણામાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. વડનગર અને બહુચરાજીમાં 2-2 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઊંઝામાં 1 ઈંચ, વિસનગર અને સતલાસણામાં પોણો ઈંચ વરસાદ થયો છે. ભારે વરસાદના પગલે મહેસાણામાં ગોપીનાળું પાણીમાં ગરકાવ થઇ ગયુ છે. મહેસાણામાં નવા બનેલા અંડર પાસમાં પણ પાણી ભરાયા છે. 147 કરોડના ખર્ચે બનેલા અંડરપાસનું હાલમાં જ લોકાર્પણ કરાયું હતું. તેમ છતા તેમાં પાણી ભરાઇ જતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે. એટલુ જ નહીં ગેસના બાટલા ભરેલી ટ્રક અંડરપાસમાં ફસાઈ જવાની ઘટના બની હતી.

પાટણમાં સાર્વત્રિક વરસાદ

પાટણ પંથકમાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી. છેલ્લા 24 કલાકમાં પાટણ જિલ્લામાં સરેરાશ 2 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. સરસ્વતી તાલુકામાં 4 ઇંચ વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયા હતા. સિદ્ધપુર અને હારીજ પંથકમાં સરેરાશ 3 ઇંચ જ્યારે કે ચાણસ્મા, શંખેશ્વર, સમી, સાંતલપુર અને વારાહી પંથકમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે.

Published On - 9:43 am, Sun, 24 July 22

Next Video