Monsoon 2022: ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે યથાવત, કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી

|

Sep 13, 2022 | 9:28 AM

છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ સર્જાતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. જોકે હજુ આગામી ચાર દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરી છે.

ગુજરાતમાં (Gujarat) ચોમાસાના (Monsoon 2022) અંતિમ ચરણમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદે સમગ્ર ગુજરાતમાં ધબધબાટી બોલાવી છે. હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની (Rain) આગાહી કરી છે. આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર, પૂર્વ અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે.

ભારે વરસાદની આગાહી

અમદાવાદ સહિત રાજ્યમાં મેઘરાજાએ ફરીથી જમાવટ કરી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ સર્જાતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોકે હજુ આગામી ચાર દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.. સુરત, ભરૂચ, વડોદરા અને આણંદમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લાના વિસ્તારોમાં મંગળવારના રોજ ભારે વરસાદ પડશે તેવા હવામાન ખાતાએ સંકેત આપ્યા છે.

અનેક વિસ્તારોમાં વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સોમવારે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ ખાબક્યો. સૌથી વધુ સરખેજ વિસ્તારમાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો જ્યારે જોધપુરમાં પોણા બે ઈંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. તો બોપલ, મક્તમપુરા, ચાંદખેડા, ઉસ્માનપુરામાં એક એક ઈંચ વરસાદ ખાબક્યો.

તો જૂનાગઢ જિલ્લામાં બે કલાકમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો. માણાવદરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. વિસાવદરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો રાજકોટમાં ગોંડલમાં સતત ચોથા દિવસે મૂશળધાર વરસાદ વરસ્યો હતો. ગાજવીજ અને ભારે પવન સાથે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. ધોધમાર વરસાદને પગલે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા. અમરેલીના અનેક વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

Next Video