આગામી 3 કલાક દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી

|

Jul 19, 2022 | 12:54 PM

આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ મેઘરજમાં પડ્યો છે. રાત્રે પણ ભારે વરસાદ પડ્યો હતો જેને પગલે મેઘરજ સહિતના તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

ગયા અઠવાડિયામાં ભારે વરસાદ અને થોડા વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદ શરૂ થઈ ગયો છે. જેના પગલે ગત રાતથી જ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ શરૂ થઈ ગયો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 3 કલાક દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. ગયા અઠવાડિયામાં રાજ્યમાં પડેલા ભારે વરસાદ દરમિયાન ઉત્તર ગુજરાતમાં પ્રમાણમાં ઓછો વરસાદ હતો પણ આ વખતે ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ મેઘરજમાં પડ્યો છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બેથી ત્રણ કલાક સુધી ભારેથી અતિભારે વરસદા પડવાની સંભાવના છે.

અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે મેઘરજ સહિતના તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદથી કસાણા ગામનો કોઝ-વે પાણીમાં ગરકાવ થયો છે. તો કોઝ-વે પાણીમાં ગરકાવ થતા આસપાસના ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખાસ કરીને વડથલી, અદાપુર સહિતના 10 ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો ભારે વરસાદને પગલે જેતપુર, રેલ્લાવાડા, તરકવાડા સહિતના ગામોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.

મહીસાગર પંથક તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે કડાણા ડેમના જળસ્તરમાં વધારો થયો છે. ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક થતાં છેલ્લા 4 દિવસમાં ડેમની જળસપાટીમાં 3 ફૂટનો વધારો થયો છે. જેના કારણે ડેમનું જળસ્તર 386.11 ફૂટ પર પહોંચ્યું છે… હાલ ડેમમાં કુલ 19 હજાર 844 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જ્યારે કે 4 હજાર 300 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. ડાંગરના ધરુ માટે 300 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમ પર આવેલા 4 પાવર હાઉસ પૈકી 1 પાવર હાઉસ કાર્યરત કરવામાં આવ્યું છે.

Published On - 11:17 am, Tue, 19 July 22

Next Video