પોરબંદર અને જુનાગઢમાં પડતા વરસાદનું પાણીથી દર વર્ષે ઘેડ પંથકમાં તારાજી સર્જાય છે. દર ચોમાસે ઘેડ પંથક પૂરના કારણે જળબંબાકાર થઈ જાય છે. વર્ષોથી અહીં આવતા પૂરના કારણે ખેડૂતોનો પાક નષ્ટ થઈ જાય છે અને ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો પડે છે. ત્યારે આ મુદ્દે હવે રાજનીતિ શરૂ થઈ છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ઘેડની તારાજીનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો અને વર્તમાન સરકારો પર પ્રહાર કર્યા. સાંસદ શક્તિસિંહ ગોહિલે ઝીરો અવર્સમાં ગુજરાતના પૂરનો મુદ્દો ઉઠાવ્યો.
શક્તિસિંહે જણાવ્યુ કે, ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. વરસાદને કારણે જનજીવનને માઠી અસર પહોંચી છે અને ભારે વરસાદના કારણે ખેડૂતોનો પાક બરબાદ થયો છે. જેની પાછળ તેમણે ભ્રષ્ટાચારને કારણ ગણાવ્યું છે. તેમનું કહેવું હતું કે, ભ્રષ્ટાચારને કારણે ચોમાસા પહેલા ડ્રેનેજનું કામ યોગ્ય રીતે ન થયું. અને ગુજરાતમાં આડેધડ બાંધકામો ખડકી દેવાથી પાણી નિકાલની જગ્યા ન રહી. જો કે, ભાજપે શક્તિસિંહના આરોપો સામે પલટવાર કર્યો છે અને આરોપ લગાવ્યો કે 6 વર્ષે શક્તિસિંહને કેમ ઘેડ પંથક યાદ આવ્યો.
બીજી તરફ જુનાગઢમાં ઘેડ પંથકના મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠાં થઈને કલેક્ટર કચેરીએ ધામા નાખ્યા હતા. જમીનનું ધોવાણ થયું છે. પાકનું નુકસાન થયું છે. જળબંબાકારને કારણે હજારો હેક્ટર જમીનમાં નુકસાન છે. ત્યારે ખેડૂતોમાં આક્રોશ છે. ઘેડના ખેડૂતો કિસાન કોંગ્રેસના નેજા હેઠળ મોટી સંખ્યામાં એકઠા થયા અને તેમણે ઘેડ વિકાસ નિગમ બનાવવાની ઉગ્ર માગ કરી છે. જમીન ધોવાણ, પાક નુકસાન સહિતનું વળતર ચૂકવવા માગ કરાઈ છે. સાથે જ ઘેડની સમસ્યાના નિરાકરણના તમામ દાવા પોકળ હોવાનો આક્ષેપ પણ કરાયો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:38 pm, Tue, 30 July 24