હરિધામ સોખડા વિવાદઃ પ્રબોધ સ્વામી જૂથને ઝટકો, હાઇકોર્ટે હેબિયસ કૉર્પસ પિટિશનનો કર્યો નિકાલ

|

Jul 21, 2022 | 9:09 AM

કોર્ટે સંતો તથા સાધ્વીઓને અમદાવાદના (Ahmedabad) નિર્ણયનગર તથા બાકરોલમાં કાયમી વસવાટની મંજૂરી આપવાનો તથા હાલના તબક્કે હેબિયસ કોર્પસ પર સુનાવણી ચાલુ રાખવા ઇનકાર કર્યો છે.

વડોદરા (Vadodara) ના હરિધામ સોખડા (Haridham Sokhda) વિવાદમાં ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સંત વિવાદમાં થયેલી હેબિયસ કોર્પસ (Habeas corpus) ની અરજી મામલે પ્રબોધ સ્વામી (Prabodha Swamy) જૂથને હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે અને કોર્ટે સંતો તથા સાધ્વીઓને અમદાવાદના નિર્ણયનગર તથા બાકરોલમાં કાયમી વસવાટની મંજૂરી આપવાનો તથા હાલના તબક્કે હેબિયસ કોર્પસ પર સુનાવણી ચાલુ રાખવા ઇનકાર કર્યો છે.

હેબિયસ કૉર્પસ પિટિશન ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી : હાઈકોર્ટ

તમને જણાવી દઈએ કે, જસ્ટિસ વિપુલ પંચોલી (Justice vipul pancholi) અને જસ્ટિસ સંદીપ ભટ્ટની ડિવિઝન બેન્ચ દ્વારા હેબિયસ કૉર્પસ પિટિશનનો નિકાલ કરવામાં આવ્યો. આ સમગ્ર મામલે કોર્ટે નોંધ્યું કે સંતો અને સાધ્વીઓને ગેરકાયદે અટકાયતમાંથી મુક્ત કરાવ્યા બાદ હેબિયસ કૉર્પસ પિટિશન ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી. જોકે એમને કાયમી વસવાટ આપવાની કોઈ માંગ અરજીમાં કરવામાં આવી નથી. અને એવા સમયે જે માંગણી જ નહોતી એવી માંગણી પાછળના તબક્કે કરીને રાહત માંગવાની કોશિશ સ્વીકારી શકાય નહિ. સંતો અને સાધ્વીઓ ના વ્યક્તિગત અને ખાનગી હક્કો માટે હેબિયસ કૉર્પસ પિટિશન (petition) એ યોગ્ય ફોરમ નથી.જોકે કોર્ટે સુચન કર્યું છે કે વ્યક્તિગત અને ખાનગી હકોની જાળવણી માટે કાયદા પ્રમાણે અલગથી અરજી કરી શકાશે.

શું હતો સમગ્ર મામલો ?

વડોદરા ખાતે આવેલું હરિધામ સોખડાએ (haridam sokhda) હરિપ્રસાદ સ્વામીના નિધન બાદથી સંપત્તિની વહેંચણીને લઇને વિવાદમાં છે. હરિધામની અંદાજે 10,000 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ અને ગાદી વિવાદનો વિવાદ છે, જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથ અને પ્રબોધ સ્વામી જૂથ આમનેસામને જોવા મળી રહ્યા છે.જેમાં પ્રબોધ સ્વામી જૂથ દ્વારા હરિધામમાં સંતોના પાસપોર્ટ, ફોન, કેમેરા અને સામાન જપ્ત કરી લેવાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાથે જ કેટલાક સંતો અને હરિભક્તોને પણ ગોંધી રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો.જે મામલે હાઈકૉર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી અને ત્યારે બાદ હાઇકોર્ટે વચગાળાનો આદેશ કર્યો હતો જેમાં સાધુઓને આણંદ પાસે આવેલા બાકરોલના આશ્રમમાં જયારે સાધ્વીઓને અમદાવાદના નિર્ણયનગર સ્થિત આશ્રમમાં રહેવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. બાદમાં બંને પક્ષોને સમાધાનકારી વલણ અપનાવવા માટે કહેવામાં આવ્યુ હતુ.

સમાધાન ન થતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો

મહત્વનું છે કે,હાઇકોર્ટના મિડિયેશન સેન્ટરમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે સમાધાન માટે બોમ્બે હાઇકોર્ટના નિવૃત ન્યાયાધીશની હાજરીમાં 4 વખત બેઠક મળી હતી. પરંતુ તમામ બેઠક નિષ્ફ્ળ સાબિત થઇ હતી,જેને કારણે સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.

Published On - 4:28 pm, Wed, 20 July 22

Next Video