Gujarati Video: ડમીકાંડમાં લાગેલા આરોપો પર યુવરાજસિંહે કહ્યું, હું સત્યને સાબિત કરીને જ રહીશ, મેં ક્યારેય પૈસા લીધા નથી, હેરાન કરવાથી હકીકત નહીં બદલાય
Ahmedabad: ડમીકાંડમાં લાગેલા આરોપો પર યુવરાજસિંહે કહ્યુ, હું સત્યને સાબિત કરીને જ રહીશ. યુવરાજે સરકાર પર વળતો પ્રહાર કર્યો કે અત્યાર સુધીમાં અનેક ભરતી પરીક્ષાના આધાર પુરાવા આપ્યા. પહેલા સરકાર નથી સ્વીકારતી બાદમા સ્વીકારે છે. ડમી કાંડમાં સંડોવાયેલા 70થી વધુ લોકો છે તો 36ની કેમ માહિતી બહાર આવી. તો શું હું માની લઉ કે સરકારે પૈસા ખાધા છે?
ભાવનગર ભરતી પરીક્ષામાં ડમીકાંડના પડઘા છેક ગાંધીનગર ગૃહવિભાગ સુધી પડ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તો બીજી તરફ યુવરાજસિંહે તેમના પર લાગેલા આરોપોનુ ખંડન કરતા સરકાર પર વળતા પ્રહાર કર્યા છે. યુવરાજનો આરોપ છે કે ડમીકાંડમાં 70થી વધુ આરોપીઓની સંડોવણી છે, છતાં કેમ માત્ર 36 આરોપીઓ વિરૂદ્ધ જ ફરિયાદ નોંધવામાં આવી અને અન્ય આરોપીઓની કેમ હજુ ધરપકડ નથી કરવામાં આવી.
વનવિભાગની પરીક્ષાને લઈને યુવરાજે લગાવ્યા ગંભીર આરોપ
યુવરાજસિંહે પડકાર ફેંક્યો છે કે તેની પાસે સૌથી મોટા કૌભાંડની વિગતો છે અને યોગ્ય સમયે તેઓ આ કૌભાંડનો પર્દાફાશ કરશે. યુવરાજે સ્પષ્ટતા કરી કે હાલ તેઓ આ કૌભાંડની માહિતી એકઠી કરી રહ્યા છે. યુવરાજસિંહે ગર્ભીત ઇશારો કરતા વન વિભાગની પરીક્ષામાં મોટાપાયે ગોબાચારીનો આરોપ લગાવ્યો. યુવરાજે દાવો કર્યો કે વન વિભાગની પરીક્ષામાં એક વ્યક્તિ દોડ્યો, બીજા વ્યક્તિએ પરીક્ષા આપી અને ત્રીજા વ્યક્તિએ નોકરી મેળવી.
મહત્વપૂર્ણ છે કે બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ પર રૂપિયા 55 લાખ લેવાનો આરોપ લગાવ્યો હતો. બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યા બાદ પોલીસે બિપીન ત્રિવેદીની પણ પૂછપરછ હાથ ધરી છે. યુવરાજસિંહ વિરૂદ્ધ ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે.
યુવરાજસિંહે ડમી ઉમેદવારોના નામ GPSSBના પ્રમુખ હસમુખ પટેલને આપ્યા હોવાનો ખૂલાસો
તો ડમીકાંડમાં વધુ એક નવો ખૂલાસો થયો છે. યુવરાજસિંહે અગાઉ હસમુખ પટેલને ડમી ઉમેદવારના નામ આપ્યા હતા. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ડમી ઉમેદવારો ન બેસે તે માટે યુવરાજસિંહે નામ આપ્યા હતા. ગેરરીતિ કરી ચુકેલા અને ડમી ઉમેદવારોના નામ હસમુખ પટેલને મોકલ્યા હતા.
ભાવનગર પોલીસે મિલન ઘુઘાની તપાસ બાદ 32 નામો સામે આવ્યા હોવાનો દાવો કર્યો છે. આરોપી સંજય પંડ્યા ડમી ઉમેદવાર તરીકે બેસવા રૂપિયા 25 હજાર રૂપિયા લેતો હોવાનો પણ ખૂલાસો થયો છે. ઉમેદવારોના કોલ લેટરને મોર્ફ કરી સંજય પંડ્યા પરીક્ષામાં બેસતો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…