વડોદરાની જૈન ધર્મશાળામાં સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતારવાનો પ્રયાસ થતાં ચકચાર મચી છે. શહેરના વાડી વિસ્તારમાં આવેલી શ્રી વિજયવલ્લભ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ધર્મશાળામાં ઉજ્જૈનથી આવેલી એક મહિલાએ રોકાણ કર્યું હતું. આ દરમ્યાન મહિલા સવારે સ્નાન કરવા ગયા ત્યારે ધર્મશાળામાં રસોડા વિભાગમાં ફરજ બજાવતા 52 વર્ષીય વિશાલ મહેતાએ બાથરૂમની બારીમાંથી તેનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મહિલાનું ધ્યાન જતાં તેમણે બૂમરાણ મચાવી હતી. આથી આરોપી વિજય ત્યાંથી નાસી છૂટ્યો હતો. સમગ્ર મામલે મહિલાએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતાં પોલીસે આરોપી વિશાલની ધરપકડ કરી છે.
ઘટનાની વિગતો એવી છે કે વડોદરાની ઘડિયાળી પોળમાં આવેલી વિજય વલ્લભ ધર્મશાળામાં એક મહિલાએ ઉતારો લીધો હતો. આ મહિલા મધ્ય પ્રદેશથી તેના પિતાની સારવાર કરાવવા માટે આવી હતી. આ મહિલા સ્નાન કરતી હતી તે દરમિયાન તેના ધ્યાનમાં આવ્યું હતું કે તે સ્નાન કરતી હતી, ત્યારે એક કર્મચારીએ તેનો વીડિયો ઉતારવાનું હિચકારું કૃત્ય કર્યું હતું.
મહિલાએ આ અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદને આધારે પોલીસે તપાસ કરતા જાણ થઈ હતી કે આ કૃત્ય કરનાર જૈન ધર્મ શાળામાં કામ કરતો કર્મચારી વિશાલ મહેતા જ હતો. પોલીસે તુરંત કાર્યવાહી કરતા આ શખ્સની ધરપકડ કરી હતી. જોકે ત્યારબાદ તેને જામીન ઉપર છોડી મૂકવામાં આવ્યો હતો. જોકે આ ઘટનાને પગલે ધર્મશાળામાં રહેતા અન્ય લોકોમાં પણ સુરક્ષા અંગે ચર્ચાઓ વ્યાપી હતી.