ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થાય તેની પહેલા જ ચોમાસું શરૂ થયું હોય તેમ લાગી રહ્યું છે. અમરેલી પંથકના અનેક તાલુકામાં વરસાદ વરસ્યા બાદ આજે પણ કમોસમી વરસાદ પડ્યો હતો. જેમા અમરેલીના વડિયા સહિતના ગ્રામ્ય પંથકમાં માવઠા સાથે કરા પડ્યા હતા. અનિડા, અરજણસુખ, સનાળી, ખજૂરી, પીપરિયા, તેમજ સૂર્યપ્રતાપગઢમાં માવઠાની સ્થિતિ જોવા મળી હતી. વીજળીના કડાકા ભડાકા અને પવનના સુસવાટા સાથે વરસાદ પડ્યો હતો.
આ તરફ અમરેલીના બાબરાના રાણપર, ચરખા, આંબલીધારમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. કમોમસી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતો રવિપાકને નુકસાન જવાની ભીતિ સતાવી રહી છે. હાલ આંબા પર મોર બેસવાની શરૂઆત થઈ છે ત્યા કમોસમી વરસાદને કારણે તેને પણ નુકસાન થઈ શકે છે.
ગઈકાલે પણ અમરેલીના ધારી અને ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ ગીર પંથકના વિસ્તારોમાં ભારે પવન સાથએ કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે પવનને કારણે ડાભાળીથી દેવલા તરફ જતા રસ્તા પર વીજ પોલ ધરાશાયી થયો હતો.
જેને કારણે રસ્તા પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે. કેસર કેરી, ઘઉં અને ચોખા સહિતના પાકને કમોસમી વરસાદને કારણે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.