Gujarati video: વીજળીના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તણખાં, સરકાર માન્ય વીજ પ્લાન્ટમાં ઓછું ઉત્પાદન થતું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

|

Mar 18, 2023 | 11:40 PM

રાજ્ય સરકારે આ આક્ષેપો ફગાવી દીધા હતા અને દાવો કર્યો છે કે, વીજળીની ખરીદી ઓછા ભાવ મુજબ થાય છે. રાજ્યના વીજ મથકો સંપૂર્ણ કેપેસિટી સાથે કાર્યરત છે. જો કે, ગેસના ભાવ વધતા ગેસ આધારિત વીજળી ઉત્પાદન પ્રતિ યુનિટ 28 રૂપિયે પડતું હતું. જેને કારણે વીજ ઉત્પાદન બંધ કરવામાં આવ્યું હતું.

હાલમાં ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, ત્યારે વીજળીના મુદ્દે ગૃહમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તણખાં ઝર્યાં હતા. સામસામી આક્ષેપબાજી વચ્ચે કોંગ્રેસે એવો દાવો કર્યો છે કે રાજ્ય સરકાર હસ્તકના મહત્વના વીજ પાવર પ્લાન્ટમાં ઓછું ઉત્પાદન કરાય છે તેનું કારણ એ છે કે, ખાનગી ઉત્પાદકો પાસેથી વીજળી ખરીદવા સરકારી પ્લાન્ટ ચલાવાતા જ નથી.

આ સાથે કોંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ માહિતી પણ આપી કે સિક્કા થર્મલ પાવર પ્લાન્ટ, ઉતરાણ ગેસ પાવર પ્લાન્ટ, ધુવારણ ગેસ પાવર પ્લાન્ટ, ગુજરાત સ્ટેટ એનર્જી જનરેશન કંપની હજીરા અને ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કંપનીમાંથી તો વીજળીનું શૂન્ય ઉત્પાદન થાય છે તો સામે પક્ષે ટોરેન્ટ પાવર 362 મેગોવૉટની ક્ષમતા સામે 312 મેગાવૉટ એટલે 86 ટકાની ક્ષમતાએ ચાલે છે.

સરકારે તમામ આરોપ ફગાવ્યા

જો કે, રાજ્ય સરકારે આ આક્ષેપો ફગાવી દીધા હતા અને દાવો કર્યો છે કે વીજળીની ખરીદી ઓછા ભાવ મુજબ થાય છે. રાજ્યના વીજ મથકો સંપૂર્ણ કેપેસિટી સાથે કાર્યરત છે. જો કે, ગેસના ભાવ વધતા ગેસ આધારિત વીજળી ઉત્પાદન પ્રતિ યુનિટ 28 રૂપિયે પડતું હતું. જેને કારણે વીજ ઉત્પાદન બંધ કરવામાં આવ્યું હતું. સરકારે દાવો કર્યો છે કે ખાનગી કંપનીઓ પાસેથી કુલ ખરીદીની 15 ટકા જ વીજળી લેવાય છે.

બેરોજગારી મુદ્દે કોંગ્રેસના આક્ષેપ

ભારતનું ગ્રોથ એન્જિન ગણાતા ગુજરાતમાં બેરોજગારી મુદ્દે વિપક્ષ કોંગ્રેસે ફરી એક વખત સરકાર પર નિશાન સાધ્યું. વિધાનસભા ગૃહમાં ગુજરાતમાં બેરોજગારીના સરકારી ચોપડે નોંધાયેલા આંકડાઓ સામે આવ્યા. જે બાદ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ફરી વાકયુદ્ધ છેડાયું.

આંકડાઓ મુજબ ગુજરાતમાં કુલ 2 લાખ 83 હજાર 140 બેરોજગારો નોંધાયેલા છે. જે પૈકી 2 લાખ 70 હજાર 922 શિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. તો 12 હજાર 218 અર્ધશિક્ષિત બેરોજગારો છે. સરકારે 4 લાખ 70 હજાર 444 લોકોને ખાનગી રોજગારી આપવામાં સહાય કરી.

બીજી તરફ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે બેરોજગારી અંગે ગૃહમાં જવાબ આપ્યો. બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ગુજરાત રોજગારી આપવામાં દેશમાં પ્રથમ સ્થાને છે. ગુજરાતમાં બેરોજગારી દર 2.2 ટકા છે. છેલ્લા 5 વર્ષમાં દોઢ લાખથી વધુ સરકારી નોકરીઓ આપવામાં આવી છે.

Next Video