Gujarati Video: જેતપુરના પીપળવા ગામમાં શિક્ષકોની ઘટના કારણે અલગ અલગ ધોરણના બે વર્ગખંડોને એકસાથે ભણાવવા મજબુર શાળા તંત્ર

|

Feb 06, 2023 | 11:52 PM

Rajkot: જેતપુર તાલુકાના પીપળવા ગામમાં આવેલી સરકારી શાળામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ઘટ છે આથી શાળામાં બે અલગ અલગ ધોરણના વર્ગખંડોને એકસાથે એક જ વર્ગમાં એક જ શિક્ષક દ્વારા ભણાવવામાં આવી રહ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે.

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીપળવા ગામમાં આવેલી સરકારી શાળામાં ભણવા માટે વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓને બેસવા માટે વર્ગખંડો છે પરંતુ વિદ્યાર્થીઓને ભણાવનારા શિક્ષકો નથી. જી હાં, વર્ગખંડ, રમવાનુ મેદાન સહિતની તમામ સુવિધાઓ છે પરંતુ ભણાવવા માટે પુરતા શિક્ષકો નથી. શિક્ષકોની ઘટના કારણે બે વર્ગને એક જ વર્ગખંડમાં બેસાડી ભણાવવામાં આવી રહ્યા છે. ધોરણ 2 અને ધોરણ 8ના વર્ગને એક જ શિક્ષક ભણાવી રહ્યા છે. આ બંને અલગ અલગ ધોરણોના વિદ્યાર્થીઓને એક જ વર્ગખંડમાં બેસાડી ભણાવવા પડે છે.

શાળામાં 1થી 8 ધોરણ સુધીવર્ગ ખંડમાં કુલ 121 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 121 વિદ્યાર્થીઓ વચ્ચે હાલમાં 4 જ શિક્ષકો છે. ધોરણ 1થી 5માં આશરે 70 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક શિક્ષક છે. શિક્ષકની ઘટ હોવાના કારણે બે વર્ગને એક સાથે ભણાવવામાં આવી રહ્યા છે. ધોરણ-2 અને ધોરણ-8ના વિદ્યાર્થીઓ એક જ વર્ગખંડમાં ભણવા મજબૂર છે. આ સ્થિતિનો શાળાના આચાર્ય પણ સ્વિકાર કરી રહ્યા છે.

બીજી તરફ ગ્રામજનો એટલે કે વિદ્યાર્થીઓના માતા-પિતા પણ ચિંતિત છે. વાલીઓનું કહેવુ છે કે અમારા ભૂલકાઓનું ભવિષ્ય જોખમમાં છે. બાળપણમાં જ્યાં બાળકોનો પાયો મજબૂત થવો જોઈએ તે શિક્ષકોના અભાવે થઈ રહ્યો નથી. સામે શાળાના આચાર્ય કહી રહ્યા છે કે શિક્ષકોની ઘટ છે પણ જેટલા શિક્ષક છે તે પોતાનો પૂરતો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતી વીડિયો : જેતપુરના મેવાસા ગામની શાળા જર્જરિત, વિદ્યાર્થીઓ સમાજવાડીમાં અભ્યાસ કરવા મજબૂર, Video માં જુઓ દયનિય સ્થિતિ

જો કે આ સ્થિતિ પાછળ શાળાના આચાર્ય કે સ્ટાફ જવાબદાર નથી. જો તેના માટે કોઈ જવાબદાર હોય તો તે અહીંનું પ્રશાસન જવાબદાર છે. જ્યાં શિક્ષકોની ઘટ છે ત્યાં શિક્ષકો મુકવામાં ન આવતા બાળકોના અભ્યાસ બગડી રહ્યો છે.

ઈનપુટક્રેડિટ- નાસીર બોઘાણી- જેતપુર

Next Video