કાળઝાળ ગરમી વચ્ચે ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે કેર વર્તાવતા ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલીના ધારીના સરસિયા ગામે કરા સાથે કમોસમી વરસાદ પડયો. તો મહેસાણામાં ભારે પવન સાથે વરસાદ પડતા પાલિકા હસ્તકના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારે નુકસાન પહોંચ્યું હતું.
નાઈટ મેચ માટે ઉભા કરાયેલા લાઈટ પોલને નુકસાન થયું. આ તરફ બનાસકાંઠાના અમીરગઢના ઈકબાલગઢમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો.બીજી તરફ કચ્છના અંજારના ગામોમાં પણ વરસાદ પડયો હતો અને ભુજ તાલુકાના સુમરાસર, ઢોરી સહિતના ગામમાં વરસાદ પડતા ખેડૂતાના પાકને નુકસાન થવાની શકયતા છે
હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તેમજ વાદળોના ગડગડાટ પણ સાંભળવા મળ્યા હતા. અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યાના અહેવાલ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે.