Gujarati Video : સુરતમાં ખાડીની સમસ્યા મુદ્દે ધારાસભ્ય કુમાર કાનાણી લડાયક મૂડમાં, સ્થાનિકો સાથે રહી આંદોલનની ઉચ્ચારી ચીમકી
Surat: ધારાસભ્ય કુમાર કાનાણી વધુ એકવાર સુરત મહાનગર પાલિકાની સામે પડ્યા છે. શહેરની ખાડીની સમસ્યા મુદ્દે ધારાસભ્ય કુમાર કાનાણી લડી લેવાના મૂડમાં છે. આ અંગે તેમણે મનપાની મળેલી બેઠકમાં પણ ઉગ્ર રજૂઆત કરી હતી અને સ્થાનિકો સાથે રહી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
સુરતના વરાછાથી ધારાસભ્ય કિશોર કુમાર કાનાણી અને સુરત મહાનગરપાલિકાનો વિવાદ ફરી એકવાર સપાટી પર આવ્યો છે. ફરી એકવાર વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી મનપાની સામે પડ્યા છે. આ વખતે શહેરની ખાડીની સમસ્યા મુદ્દે ધારાસભ્ય કુમાર કાનાણી લડાયક મૂડમાં જણાઈ રહ્યા છે અને મનપા સામે જાણે લડી લેવાના મૂડમાં હોય તેવુ લાગી રહ્યુ છે. તેમણે સ્થાનિકો સાથે રહી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
મનપાની બેઠકમાં કુમાર કાનાણીએ ખાડી મુદ્દે કરી ઉગ્ર રજૂઆત
મનપામાં મળેલી બેઠકમાં કુમાર કાનાણીએ ઉગ્ર રજૂઆત કરી હતી. ધારાસભ્ય અને સાંસદની સંકલન બેઠકમાં ખાડીની સફાઈ મુદ્દે ઉગ્ર રજૂઆત કરાઈ હતી. કુમાર કાનાણીએ જણાવ્યું કે વારંવારની રજૂઆત છતા સમસ્યાનો ઉકેલ આવતો નથી. ખાડી મુદ્દે તેઓ અનેક વખત તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે.
મીઠી ખાડી સહિતના વિસ્તારોમાં દર ચોમાસે ભરાઈ જાય છે પાણી
સુરતમાં દર વર્ષે ચોમાસા દરમ્યાન ખાડી પૂરની સમસ્યા સર્જાય છે. શહેરના કુંભારીયા, પર્વત પાટિયા અને મીઠી ખાડી સહિતના વિસ્તારોમાં વારંવાર આવતા ખાડી પૂરના પાણી સ્થાનિકોના ઘરમાં ઘુસી જાય છે. જેના કારણે સ્થાનિકોએ દર વર્ષે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્માર્ટ સિટી અને સ્વચ્છતા મામલે અનેક એવોર્ડ જીતતા સુરતમાં ખાડીની સમસ્યા એક પડકાર છે. વરાછાના ખાડી વિસ્તારની અસંખ્ય સોસાયટીઓમાં ખાડીને કારણે ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે.
લોકો ગંદકી, દુર્ગંધ અને મચ્છરના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે. બીજી તરફ ગંદકીને કારણે રોગચાળાની ભીતિ પણ સેવાઇ રહી છે. ખાડી વિસ્તારમાં રહેતા હજારો રહીશો છેલ્લા 50 વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમ છતાં તંત્રએ ખાડી પૂરની સમસ્યા ન ઉકેલતા આખરે ધારાસભ્ય વિફર્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…