ગુજરાતમાં બદલાયેલા હવામાનના પગલે અનેક જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવન પણ ફૂંકાયો છે. જેમાં બનાસકાંઠાના થરાદમાં ભારે પવનથી મંડપનો ગેટ ધરાશાયી થયો થયો છે. જેમાં ધાર્મિક કાર્યક્રમ માટે ઉભો કરાયેલો ગેટ રસ્તા ઉપર પડ્યો હતો. જો કે સદનસીબે કોઇ જાનહાનિ કે ઇજા થઇ નથી.
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી આપી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, બનાસકાંઠા ,રાજકોટ, સુરેન્દ્રનગરમાં કરા સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની શકયતા છે.
આગાહીના અનુસાર આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠું પડી શકે છે. આજે ગીર સોમનાથ અને દાહોદમાં કમોસમી વરસાદ વરસી શકે છે. રાજ્યના 17 જિલ્લામાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારમાં 19 માર્ચ સુધી કમોસમી વરસાદ વરસવાની આગાહી કરેલી છે. જે અનુસાર આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સામાન્યથી હળવો વરસાદ થવાની આગાહી છે. જે બાબતે ખેડૂતોને કૃષિ પેદાશોને સંભવિત નુકસાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે નીચે મુજબના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં કેટલીક જગ્યાએ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તો કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદની શકયતા છે. ગુજરાતમાં બે દિવસમાં 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટશે. બે દિવસ બાદ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. તો વરસાદની આગાહીના પગલે ખેડૂતોને સિંચાઈ નહિ કરવા અને પાક તૈયાર હોય તો તેને ઉતારી લેવા અપીલ કરવામાં આવી છે. આગાહી પ્રમાણે આજે શહેર અને રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. અમદાવાદમાં હાલ 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે.