બનાસકાંઠાના પાલનપુરના લાલવાડા ખાતે મા અર્બુદાના 108 કુંડી સહસ્ત્રચંડી યજ્ઞના બીજા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યાં. આ પ્રસંગે વિધાસનભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સંબોધન કરતા નવી પેઢી શિક્ષણમાં આગળ વધી રહી છે તેમ જણાવ્યુ હતુ. સાથે જ અર્બુદા મહોત્સવમાં વ્યસન મુક્ત સમાજનું આહવાન કરવામાં આવ્યું. તો સમાજના સંપન્ન લોકો ગરીબોની મદદ કરે તેવી અપીલ કરવામાં આવી. અર્બુદા મહોત્સવના ભવ્ય આયોજનને સર્વ સમાજને સાથે રાખી સફળ બનાવવામાં આવ્યું છે.
અર્બુદાધામ યજ્ઞશાળામાં 551 વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે યજમાન પરિવાર આહુતિ આપી રહ્યાં છે. દેશભરના ચૌધરી સમાજના શ્રદ્ધાળુઓ યજ્ઞશાળાનું દર્શન અને પરિક્ષણ કરી રહ્યાં છે, તો 10 હજાર ભક્તો એકસાથે ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ હવનના દર્શન કર્યા હતા અને સમાજ એકતા થકી શિક્ષણ, રોજગારીમાં આગળ વધે તેવી માતાજીને પ્રાર્થના કરી હતી. અર્બુદા મહાયજ્ઞને લઈને ચૌધરી સમાજની મહિલાઓ ઉત્સાહભેર કાર્ય કરી રહી છે. 45 દિવસમાં 5 હજાર બહેનોએ જવારા વાવ્યા. તો દસ લાખ જેટલા લાડુ પણ બહેનોએ તૈયાર કર્યા હતા.
ચૌધરી સમાજની બહેનોએ જ યજ્ઞશાળાનું લિપણ કર્યું હતું. તો યજ્ઞ પૂર્વેની શોભાયાત્રામાં એક લાખનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ મહાયજ્ઞના પહેલા દિવસે બે લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. બીજા દિવસે સર્વસમાજના 4 લાખ ભક્તો દર્શન કરે તેવી શક્યતા છે.
દર્શનાર્થે આવતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવાઈ છે. ભોજનના 8 કાઉન્ટર તૈયાર કરાયા છે. જેમાં એક સાથે 10 હજાર લોકો ભોજન લઈ શકશે. મહોત્સવમાં 25 હજાર જેટલા સ્વયંસેવકો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. આ મહોત્સવમાં ગુજરાત જ નહીં રાજસ્થાન, પંજાબ, દિલ્હી અને ઉત્તરપ્રદેશથી ચૌધરી સમાજના દર્શનાર્થીઓ ઉમટી પડશે.