કરે કોઈ અને ભરે કોઈ… આ કહેવત તો તમે સાંભળી હશે. પણ ખેડા જિલ્લાના મહેમદાવાદના લોકોને તો આવી હાલાકી વેઠવાનો વારો આવી શકે છે. ઉનાળાના પ્રારંભે જ ખેડાના મહેમદાવાદમાં રહેતા લોકોને પાણીકાપની સમસ્યાનો સામનો કરવો પડશે. મહેમદાવાદમાં પાણીને લઈને કોઈ સમસ્યા નથી, કે નથી કોઈ સમારકામની કામગીરી. તેમ છતા પાલિકાની લાલિયાવાડીને કારણે લોકોને પાણી કાપ સહન કરવો પડશે. મહેમદાવાદ પાલિકાના વોટર વર્ક્સ વિભાગનું 3 કરોડથી પણ વધારેનું વીજબીલ ભરવાનું બાકી છે. વીજબીલ નહીં ભરતા MGVCLએ શહેર વિસ્તારની સ્ટ્રીટ લાઈટના જોડાણ પણ છેલ્લા 3 દિવસથી કાપી નાખ્યા છે.
હવે પાલિકાએ વધુ પડતું વીજબીલ બાકી હોવાથી પાણી કાપનો ઠરાવ કર્યો. લોકોને સામાન્ય રીતે બે સમય પાણી મળતું હતું. પરંતુ હવે ઉનાળે જ લોકોને પાણીની હાલાકી પડશે. બીજી તરફ પાલિકા ટુકડે ટુકડે વીજબીલ ભરી સ્થિતિ સામાન્ય કરવાની વાતો કરી રહી છે.
તાજેતરમાં જ મહેમદાવાદ નગરપાલિકામાં વીજ કનેક્શનો કપાઈ જતા નગરપાલિકાની આબરૂના લીરેલીરા ઉડ્યા હતા. સ્થિતિ એટલી તો કફોડી બની હતી કે સત્તાધીશોની બેદરકારીનો ભોગ પ્રજાને બનવું પડી રહ્યું હતુ. આખરે આર્થિક સ્થિતિ સુધારવા કોઈ રસ્તો નહીં શોધી શકતી નગરપાલિકાએ પાણીમાં કાપ મુકવાની રણનીતિ બનાવી પ્રજાનો રોષ વહોરવાનો નિર્ણય કર્યો. વર્ષમાં 4 મહિના 2 ટંક જ્યારે 8 મહિના 1 ટંક પાણી આપવાના ફરમાન જાહેર કરતા લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.
Published On - 11:57 pm, Sat, 25 February 23