Gujarati Video: હાપા માર્કેટિંગ યાર્ડમાં મરચાંની મબલખ આવક, 1 મણ મરચાંના 1700થી 5500 ભાવ બોલાતા ખેડૂતો ખુશખુશાલ

|

Feb 12, 2023 | 5:25 PM

Jamnagar: જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાની પુષ્કળ આવક થઈ રહી છે. દૂર દૂરથી ખેડૂતો મરચાની ભારીઓ સાથે યાર્ડ આવી રહ્યા છે. અહીં 1 મણ મરચાના 1700 થી 5500 ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ છે.

સારા ભાવ મળતા હવે સૌરાષ્ટ્રના ખેડૂતો જામનગરના હાપા માર્કેટ યાર્ડ તરફ વળ્યાં છે. વહેલા વારો, સરળ હરાજી પ્રક્રિયા અને ત્વરિત પેમેન્ટની અનુકૂળતાથી હાપા માર્કેટ યાર્ડ તરફ મરચા લઈને ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચી રહ્યાં છે. રાજકોટ, મોરબી, ગોંડલ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો મરચા વેચવા આવી રહ્યાં છે. જેના કારણે હાપા માર્કેટિંગ યાર્ડ સૂકા મરચાથી ઉભરાયું છે.

અત્યાર સુધી 80 હજાર મણ મરચાની આવક નોંધાઇ ચૂકી છે. એટલું જ નહીં પ્રતિ મણ મરચાના 1700થી 5500 ભાવ બોલતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મહત્વનું છે કે ગુજરાતમાં આ સીઝનમાં મરચાનો સૌથી વધુ 10 હજારનો ભાવ હાપા માર્કેટ યાર્ડમાં બોલાયો હતો.

આ તરફ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ચટાક મરચાની મબલખ આવક નોંધાઈ છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નંબર વન ગણાતા ગોંડલિયા મરચાંની માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 45 હજાર ભારીની આવક નોંધાઈ છે. યાર્ડની બહાર બંને બાજુ 2000 થી વધુ વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ છે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં મરચાંના ભાવમાં જંગી વધારો, ગોંડલ યાર્ડમાં 20 કિલો મરચાનાં 4000થી 5000 બોલાયા ભાવ

સમગ્ર ગુજરાતમાં ગોંડલ તીખા મરચાને લઈને જાણીતું છે. અહીંનું મરચું તીખાશને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે. જોકે આ વખતે આ મરચાંની તીખાશ લોકોના ખિસ્સાને પણ લાગવાની છે. કેમ કે આ વખતે ગોંડલીયા મરચાના ભાવમાં જંગી વધારો થયો છે.

Next Video