ધ્વનિ પ્રદુષણને લઈને ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ સામે આવ્યું છે. હાઈકોર્ટે લાલ આંખ કરતા રાજ્ય સરકારને મહત્વનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, પાર્ટી પ્લોટ, કોમ્યુનિટિ હોલના સંચાલકોએ પ્રસંગની જાણકારી પોલીસને આપવાની રહેશે સાથે પોલીસને તે જાણકારી પણ આપવાની કે, પ્રસંગ કોનો છે. ધ્વનિ પ્રદુષણ થતું જણાય તો કડક કાર્યવાહી કરવાનું પણ સૂચન આપ્યું છે.
બીજી તરફ સરકારના એડવોકેટ જનરલે પણ કોર્ટમાં સ્વીકાર્યું હતુ કે, ધ્વનિ પ્રદુષણની સમસ્યા છે અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવા પડે છે. હાઈકોર્ટે પોલીસને ટકોર કરતા કહ્યું કે, પોલીસ ધ્વનિ પ્રદુષણની ફરિયાદને હળવાશથી ન લે. કોર્ટે પોલીસતંત્રને પણ યોગ્ય પગલા લઈ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. હાઈકોર્ટે સરકારને પણ આ સમસ્યાને લઈને જરૂરી કામગીરી માટે પ્રશાસન તત્કાલ પગલાં લે તેવો આદેશ આપ્યો છે.
આ તરફ રાજ્યની મસ્જિદો પર લાઉડ સ્પીકરમાં વાગતી અજાન મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કરતા કહ્યું કે મસ્જિદો પર લાઉડ સ્પીકરમાં વાગતી અજાન અંગે શું પગલા લીધા છે. સરકારે લીધેલા પગલા અંગે જવાબ રજૂ કરવામાં આવે. સાથે જ હાઇકોર્ટે રાજ્ય સરકારને આગામી 12 એપ્રિલ સુધી સોગંદનામું રજૂ કરવા આદેશ કર્યો છે. મસ્જિદો પર વાગતી અજાનને લઇ હાઇકોર્ટમાં જાહેરહીતની અરજી કરવામાં આવી હતી. જેમાં અજાનના કારણે લોકોને હાલાકી પડતી હોવાનો ઉલ્લેખ કરાયો હતો. બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકી પડતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.