ગુજરાતના વડોદરામા રામનવમીએ શોભાયાત્રા પર થયેલા પથ્થરમારાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેના પગલે વડોદરા શહેરના પૂર્વ મેયર સયાજીગંજના ધારાસભ્ય કેયૂર રોકડીયાએ કહ્યું છે કે જે સ્થળે હિંસા ફેલાવવામાં આવી છે તે સ્થળે દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવશે. તેમજ આ વિસ્તારના અસામાજીક તત્વોના ઇરાદાને નેસ્તોનાબૂદ કરાશે. મહત્વપૂર્ણ છે કે ફતેપુરા વિસ્તારમાં ગઇકાલે હિંસા ફેલાઇ હતી. આ ઘટના બાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ મ્યુનિસિપલ કમિશનર સાથે વાતચીત કરીને કાર્યવાહીના આદેશ આપ્યાનું ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું હતું.
વડોદરામાં રામનવમીના દિવસે નીકળેલી શોભાયાત્રામાં અલગ અલગ બે સ્થળોએ પથ્થરમારાની ઘટના સામે આવી હતી. જેમા ફતેપુરામાં બજરંગદળ દ્વારા નીકળેલી શોભાયાત્રામાં ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચી ત્યારે કેટલાક તોફાની ઈસમોએ પથ્થરો ફેંક્યા હતા. ત્યારબાજ સાંજના સમયે ફતેપુરાના કુંભારવાડા વિસ્તારમાંથી નીકળતી શોભાયાત્રા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમયે પોલીસે પરિસ્થિતિ પર કાબુ કરવા અને ટોળાને ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. આ બંને ઘટનાના ગાંધીનગર સુધી ઘેરા પડઘા પડ્યા છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મોડી રાત સુધી બેઠકોનો દૌર ચાલ્યો હતો. સમગ્ર ઘટનાનો 24 કલાકમાં અહેવાલ રજૂ કરવા માટે ગૃહ વિભાગને આદેશ કરાયો છે અને જવાબદારો સામે તાત્કાલિક અસરથી કડક પગલા લેવા મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે. ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસ કમિશનર સાથે વાત કરી હતી અને સ્થિતિને કડક હાથે કાબુમાં લેવા સૂચના આપી હતી. પથ્થરમારો કરનારા ઈસમો સામે કડક હાથે પગલા લેવા પણ આદેશ કર્યો હતો.
આ પણ વાંચો : Breaking News : ‘લાયસન્સ વિનાના મીટ શોપ શરુ થવા નહી દેવાય’, હાઈકોર્ટમાં સરકારનો જવાબ, જાણો કોર્ટમાં થઇ શું દલીલો
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 5:42 pm, Fri, 31 March 23