Gujarati video : પંચમહાલમાં ખેડૂતોને રાત્રે જંગલી પ્રાણીઓના ભય વચ્ચે કરવું પડે છે કામ, વીજળીના અભાવે ત્રસ્ત છે ખેડૂતો, જુઓ Video

|

Mar 04, 2023 | 2:18 PM

કાલોલ તાલુકાના વેજલપુર સહિત આજુબાજુના ગામ જંગલ વિસ્તારથી નજીક હોવાથી રાત્રી દરમિયાન જંગલી પ્રાણીઓના હુમલાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે જેથી સૂર્યોદય યાજના અંતર્ગત દિવસે વીજળી આપવામાં આવે તેવી માગ ખેડૂતોએ કરી છે.

ગુજરાત સરકાર તરફથી ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે, પરંતુ અમુક ગામડાઓમાં વીજળીનો પુરવઠો રાત્રે આપવામાં આવતો હતો. જેથી ખેડૂતોને રાત્રી દરમિયાન ઉજાગરા કરવાનો વારો આવતો હતો. આ સમસ્યાના નિરાકરણના ભાગરૂપે સરકારે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી હતી. જે અંતર્ગત રાત્રીના બદલે દિવસે વીજળી આપવાની શરૂઆત કરવામાં આવી.

આ તરફ પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે પણ આ યોજના લાગુ કરવામાં આવી હતી, પરંતુ યોજનાના અમલીકરણ બાદ પણ ખેડૂતોને રાત્રીના સમયે જ વીજળી આપવામાં આવે છે, જેથી ખેડૂતો સૂર્યોદય યોજનાથી હજી પણ વંચિત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હજી પણ ખેડૂતોને રાત્રી દરમિયાન વીજ પુરવઠો આપવામાં આવતો હોવાથી ખેડૂતોને તકલીફ પડી રહી છે. તેમાં પણ કાલોલ તાલુકાના વેજલપુર સહિત આજુબાજુના ગામ જંગલ વિસ્તારથી નજીક હોવાથી રાત્રી દરમિયાન જંગલી પ્રાણીઓના હુમલાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે જેથી સૂર્યોદય યાજના અંતર્ગત દિવસે વીજળી આપવામાં આવે તેવી માગ ખેડૂતોએ કરી છે.

જો કે MGVCLના અધિકારીના જણાવ્યા પ્રમાણે પંચમહાલ જિલ્લના મોટાભાગના ગામડાઓમાં સૂર્યોદય યોજનાનો લાભ ખેડૂતોને આપવામાં આવે છે. જેથી તમામ ખેડૂતોને દિવસે જ વીજળી આપવામાં આવે તે શક્ય નથી. તેથી વિસ્તાર પ્રમાણે તબક્કાવાર દિવસે વીજળી આપવામાં આવતી હોવાનું અધિકારી જણાવી રહ્યા છે.

જાન્યુઆરી માસમાં જૂનાગઢમાં પણ ખેડૂતોએ કરી હતી રજૂઆત

કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત  ખેડૂતોને  દિવસે વીજળી મળતી નથી. આથી જૂનાગઢના  મેંદરડામાં PGVCL કચેરી પર દિવસે વીજળી આપવાની માગ સાથે ખેડૂતો અને મેંદરડાના સરપંચ ધરણા પર બેઠા  હતા અને તે સમયે ખેડૂતોની સાથે કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ ધરણામાં જોડાયા હતા. અહીં પણ ખેડૂતોએ રાત્રીને બદલે દિવસે વીજળી આપવા સરકાર પાસે  માગ કરી હતી.

 

Next Video