Gujarati Video : મેઘરાજાના આકરા મિજાજ વચ્ચે પણ પોલીસકર્મીઓએ ખડેપગે ફરજ નિભાવી, ભારે વરસાદમાં ટ્રાફિક નિયમન કરતા નજરે પડયા
Bharuch : ભરૂચમાં સવારથી સતત ભારે વરસાદ (Heavy Rain)વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદ વચ્ચે પણ પોતાની ફરજ નિભાવતા પોલીસકર્મીઓ અને ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠા નજરે પડી હતી.
Bharuch : ભરૂચમાં સવારથી સતત ભારે વરસાદ (Heavy Rain)વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદ વચ્ચે પણ પોતાની ફરજ નિભાવતા પોલીસકર્મીઓ અને ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠા નજરે પડી હતી. અંકલેશ્વરમાં વરસાદ દરમ્યાન ચક્કાજામના દ્રશ્યો સર્જાતા ટ્રાફિક નિયંત્રણ કરતા આ કર્મચારીઓની કામગીરી લોકોએ બિરદાવી હતી.ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ભરૂચ – અંકલેશ્વરના મોટાભાગના રસ્તાઓ પાણીમાં ડૂબયાં હતા તો નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી હતી. ઘણા વિસ્તારોમાં વાહનોની કતાર પડી હતી.
ભરૂચ જિલ્લામાં શનિવારે સવારે 6 કલાકથી બપોરે 2 કલાક સુધીમાં સૌથી વધુ અંકલેશ્વરમાં 118 મિમી વરસાદ ખાબક્યો હતો. આ બાદ ભરૂચમાં 101 મિમી, વાલિયામા 77 મિમી, હાંસોટમાં 59 મિમી, નેત્રંગમાં 55 મિમી, ઝઘડિયામાં 28 મિમી અને વાગરામાં માત્ર 15 મિમીનો નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.
એકતરફ વરસાદનું જબરદસ્ત જોર હતું તો સાથે વાહનો વરસાદી પાણીમાં અટવાઈ જવાના કારણે ખોટકાઈ જવાના ઘણા બનાવ સામે આવ્યા હતા. ભરૂચમાં કસક, મક્તમપુર , પાંચબત્તી અને સેવાશ્રમ રોડ જયારે અંકલેશ્વરમાં સીટી અને જીઆઇડીસી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાના ટ્રાફિકની સમસ્યા નજરે પડી હતી. ભરૂચ જિલ્લા પોલીસના જવાન અને તેમની મદદે ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ સ્થિતિને હળવી બનાવવા ઝઝૂમતા નજરે પડ્યા હતા. એક મહિલા કર્મચારી પણ વરસાદમાં સતત ટ્રાફિકનું નિયમન કરતી જોવા મળી હતી.
વાહનચાલકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. વાહન ચાલક વિકીભાઇ કાયસ્થે જણાવ્યું હતું કે વરસતા વરસાદમાં પોલીસ સતત કામમાં વ્યસ્ત જોવા મળતી હતી. પોલીસે આજે લોકોને વરસાદી પાણીમાંથી માર્ગ શોધવામાં ને આગળ ધપવામાં મદદરૂપ બની સાચા મિત્ર અને રક્ષક તરીકેની ભૂમિકા ભજવી છે.
ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો, સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વરસેલ વરસાદના આંકડા નીચે મુજબ છે
- અંકલેશ્વર 4.72 ઇંચ
- જંબુસર 1 ઇંચ
- ઝઘડિયા 1 ઇંચ
- નેત્રંગ 2 ઇંચ
- ભરૂચ 4 ઇંચ
- વાગરા 0.5 ઇંચ
- હાંસોટ 3 ઇંચ
- વાલિયા 3 ઇંચ
