નવસારી વિજલપોર નગરપાલિકાના અધિકારીઓની અણઆવડતને કારણે નવસારી પાલિકા શહેરના તળાવો જોડવાનુ કામ ખોરંભે ચઢ્યું છે. જેના કારણે નગરપાલિકાને પાણીના સ્ટોરેજ કરવા માટેની સમસ્યા ઉભી થઈ રહી છે. એવા આક્ષેપો થઈ રહ્યા છે કે પાલિકાના શાસકોની અણઆવડતને કારણે મંજૂર થયેલું ઇન્ટર લિન્કિંગ તળાવોનું કામ થઈ શકતું નથી અને પાણી સ્ટોરેજનો મુદ્દો સમસ્યા બની ગયો છે. ઉનાળાની શરૂઆત થઇ છે, ત્યારે શહેરીજનોને પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાય તેવી શક્યતાઓ ઉભી થઈ છે.
નવસારી નગરપાલિકાએ વેરો ઉઘરાવી ભંડોળ તો એકત્રિત કર્યું હતું. પરંતુ તળાવોને જોડવાની કામગીરીના કોન્ટ્રાક્ટના કાગળો પાલિકાના ગોડાઉનમાં ધૂળ ખાઈ રહી રહ્યા છે. જો આ યોજના અનુસાર તળાવોનું જોડાણ થઇ ગયું હોત તો નવસારી જીલ્લાને 24 કલાક પાણી મળી શક્યું હોત. જો કે આ અંગે જ્યારે પાલિકાના અધિકારીને પુછવામાં આવ્યું તો તેમણે કામની શરૂઆત થઈ જ રહી હોવાનો રાગ આલાપ્યો હતો.