જૂનાગઢના કેશોદમાં વ્યાજખોરોના ત્રાસથી એક વ્યક્તિએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. કેશોદની પ્રજાપતિ સોસાયટીમાં રહેતા વિનોદ રોચી રામાણીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. મૃતકના ખિસ્સામાંથી મળેલી સુસાઈડ નોટમાં કેટલાક વ્યાજખોરોનો ઉલ્લેખ છે જેમાં એવું લખ્યું છે કે કેટલાક વ્યાજખોરો રૂપિયાની ઉઘરાણી કરીને મારી નાંખવાની સતત ધમકી આપતા હતા. મૃતકની સુસાઈડ નોટ અને સ્વજનોની ફરિયાદના આધારે પોલીસે વ્યાજખોરો અંગે તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે રાજ્યમાં ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં વ્યાજખોરો સામે મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી અને નાગરિકોને નિર્ભય બનીને વ્યાજખોરો અંગે જાણ કરવા પણ કહેવામાં આવ્યું હતું. તેમજ સરકાર અને પોલીસ દ્વારા જરૂરિયાતમંદોને લોન આપવાની પહેલ કરી વ્યાજના વિષચક્રમા ન ફસાવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. વ્યાજખોરો સામે લાલ આંખ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જણાવ્યું હતું કે વ્યાજખોરોને રાજય બહાર તગેડી મૂકવામાં આવશે.
ગુજરાત પોલીસે વ્યાજના વિષચક્રને તોડવા ખાસ અભિયાન ચલાવ્યું હતું. રાજ્યભરમાં પોલીસે 3500 જેટલા લોકદરબાર યોજ્યા. આ લોકદરબારમાં 1.29 લાખથી વધુ વ્યક્તિઓ સહભાગી થયા હતા અને પોતાની વેદના રજૂ કરી પોલીસે કરેલી કાર્યવાહીથી હજારો લોકોને વ્યાજના દૂષણમાંથી બચાવાયા પોલીસની રાજ્ય વ્યાપી ડ્રાઈવ દરમિયાન 847 FIR દાખલ કરાઈ હતી.
તેમજ 1481 આરોપીઓ સામે ગુના દાખલ કરાયા.1039 આરોપીઓની ધરપકડ કરાઈ. તો માથાભારે 27 ગુનેગારો ઉ પર પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે તેમ છતાં રાજયમાં હજી પણ વ્યાજખોરના ત્રાસથી ત્રસ્ત થઈને લોકો જીવન ટૂંકાવી દે છે. ઘણા કિસ્સામાં તો વ્યાજની રકમ ચુકવાઈ ગઈ હોય તો પણ વ્યાજખોરોની કનડગત ઓછી ન થતા વ્યક્તિ મોતને વ્હાલું કરતી હોય તેવી પણ ઘટના સામે આવેલી છે.